કોંગ્રેસ દ્વારા ભાવનગર જિલ્લાની સાત પૈકી ચાર બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે જ્યારે ભાવનગર પૂર્વ, ભાવનગર ગ્રામ્ય અને ગારીયાધાર આ ત્રણ બેઠક એવી છે કે જયા કોંગ્રેસને લડાયક ઉમેદવારની શોધ છે. ભાવનગર ગ્રામ્યમાં ભાજપમાંથી પરસોતમ સોલંકી રિપીટ થયા છે તેઓ અજેય યોદ્ધા છે આ બેઠક પર તેમની ઉમેદવારી બાદ આજ સુધી તેઓ ક્યારેય હાર્યા નથી આથી કોઈ મજબૂત અને ટક્કર ઝીલી શકે તેવા ઉમેદવારની શોધમાં કોંગ્રેસ છે, કોંગ્રેસના એક બે દિગગજો એ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડી છે કારણ કે તૈયારી માટે પૂરતો સમય જોઈએ. પક્ષ દ્વારા છેલ્લી ઘડીએ નામ જાહેર કરાતા તૈયારીનો કોઈ સમય રહે નહીં. આથી કોંગ્રેસએ હવે અન્ય ચહેરા પર નજર દોડાવી છે જેમાં રેવતસિંહ ગોહિલ, જીતુભાઈ વાઘેલા અને ભરતભાઈ કંટારીયાના નામો હાલ ચાલી રહ્યા છે કોંગ્રેસ ત્રણ પૈકી કોઈ એકને ઉમેદવાર બનાવશે તેવી ગણતરી છે.
તો ગારીયાધાર બેઠક પર પણ ભાજપમાંથી કેશુભાઈ નાકરાણી લડી રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીનું અહીં સારું એવું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે અને તેમાંથી યુવા ઉમેદવાર સુધીર વાઘાણી મેદાને છે આ સંજોગોમાં કોંગ્રેસે ટક્કર આપી શકે તેવા ચહેરાની શોધખોળ છે જેમાં હાલ મનુભાઈ ચાવડા, પી.એમ ખેની અને ગોવિંદભાઈ મોરડીયાના નામોની ચર્ચા ચાલી રહી છે.