વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક જ્યારથી ટ્વિટરના નવા બોસ બન્યા છે, ત્યારેથી તેમણે એક પછી એક ઘણા મોટા નિર્ણયો લીધા છે. તેમના આ નિર્ણયોથી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના કામકાજ પર પણ અસર પડી છે. આ દરમિયાન તેમણે નવી ટ્વિટર પોલિસીની જાહેરાત કરી છે. તેમણે શુક્રવારે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ટ્વિટર હવે નેગેટિવ ટ્વિટ્સને પ્રોત્સાહન નહીં આપે અને તેનો પ્રચાર નહીં કરે.
મસ્કે એક ટ્વિટમાં કહ્યું, ‘નવી ટ્વિટર પોલિસીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પરંતુ એક્સેસની સ્વતંત્રતા નથી. તેમણે એ પણ જણાવ્યું કે ટ્વિટર હેટ સ્પીચ અથવા નેગેટિવ ટ્વિટ્સને પ્રોત્સાહન નહીં આપે અને તેનો પ્રચાર નહીં કરે. એટલા માટે ટ્વિટર પર કોઈ જાહેરાત અથવા અન્ય આવક થશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે, નેગેટિવ ટ્વિટ્સ તમને ત્યાં સુધી નહીં મળે, જ્યાં સુધી તમે તેને ખાસ રીતે નહીં શોધો.
તેમણે કહ્યું કે, કેથી ગ્રિફીન, જોર્ડન પીટરસન અને બેબીલોન બીના એકાઉન્ટ રીએક્ટિવ કરવામાં આવ્યા છે. જોકે, તેમણે કહ્યું કે કંપનીએ હજુ સુધી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ રિએક્ટિવ કરવું કે નહીં, તેના વિશે કોઈ નિર્ણય લીધો નથી.
સેંકડો કર્મચારીઓ છોડી ચૂક્યા છે કંપની
આ પહેલા એલન મસ્કે કહ્યું હતું કે, તેઓ સોશિયલ મીડિયા કંપનીના ભવિષ્યને લઈને વધારે ચિંતિત નથી કારણ કે સર્વશ્રેષ્ઠ લોકો કંપનીની સાથે છે. અસલમાં એલન મસ્કે જે સમયમર્યાદા આપી હતી તેનું પાલન કરતા સેંકડો કર્મચારીઓ કંપની છોડી ચૂક્યા છે. ટ્વિટરે કર્મચારીઓને મેસેજ મોકલ્યા હતા કે તે આગામી કેટલાક દિવસો માટે ઓફિસ બંધ કરી રહ્યું છે.
આ પછી ઘણા કર્મચારીઓએ કંપની છોડી દીધી હતી. કંપનીના એક યુઝરે ટ્વિટ કરીને મસ્કને પૂછ્યું હતું કે, “લોકોનું કહેવું છે કે ટ્વિટર બંધ થવા જઈ રહ્યું છે, તેનો અર્થ શું છે?” જવાબમાં મસ્કે ટ્વિટ કર્યું, “સર્વશ્રેષ્ઠ લોકો ટ્વિટર સાથે હજુ પણ જોડાયેલા છે. હું ખાસ ચિંતિત નથી.”