ભાવનગરના એરપોર્ટથી નવા બંદર તરફ જવાના રોડ પર આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે વહેલી સવારે વિકરાળ આગ લાગતા ફાયર વિભાગની ટીમે અઢી લાખ લીટર પાણીનો છંટકાવ કરી છ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના એરપોર્ટથી નવા બંદર તરફ જવાના રોડ પર આવેલ મનજીભાઈ કાંબડની માલિકીની વાડીમાં ભાડુઆત લક્ષ્યભાઈ રસિકભાઈ શાહના કબજા અને ભોગવટાના પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે વહેલી સવારે ૫.૪૫ કલાકે કોઈ કારણોસર આગ લાગી હતી.
ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગોડાઉનની ખુલ્લી જગ્યામાં પણ આગ પ્રસરી જતા ગોડાઉનમાં રાખેલ તાડપતરી, સલાખા, પ્લાસ્ટિક વેસ્ટ સહિતનો સામાન આગની લપેટમાં આવી ગયો હતો.

આ બનાવ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને ૧૩ જેટલા ફાયર ફાઈટર, ખાનગી ટેન્કરો મળી અંદાજે અઢી લાખ લીટરથી વધુ પાણીનો છંટકાવ કરી છ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
આ ઘટનામાં આગ લાગવાનું કારણ કે નુકસાની જાણી શકાઇ નથી.