ભાવનગરમાં હાદાનગર વિસ્તારમાં રહેતા યુવકને ગત રાત્રે ઇકો કારમાં ઉઠાવી જઈ પાંચ શખ્સોએ છરી બતાવી માર મારી રૂ.૧૬૦૦ રોકડા ભરેલું પાકીટ ઝૂંટવી લીધું હતું.આ બનાવવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઇકો કારનો પીછો કરી ગારીયાધાર પાસેથી યુવકને ઉઠાવી જનાર તમામ શખ્સોને ઝબ્બે કર્યા હતા.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના હાદાનગર,માધવ મેડિકલની બાજુમાં આવેલ પ્લોટ નંબર ૫૩ માં ભાડેથી રહેતા અને કપડાં ધોવાના લિકવિડની ફેરી કરતા બિહારી યુવાન મોહમ્મદફારૂક મોહમ્મદમજનુ રાઇન ( ઉં.વ. ૨૫ ) ગઈકાલે રાત્રિના સમયે તેમના ઘરે હતા તે દરમિયાન ૪ અજાણ્યા શખ્સોએ આવી ફારૂકભાઇ ને ઉઠાવી જઈ બળજબરીપૂર્વક ઇકો કારમાં બેસાડી દીધા હતા અને સાવરકુંડલા તરફ ઇકો કાર મારી મૂકી હતી. રસ્તામાં આ શખ્સોએ છરી બતાવી, માર મારી રૂ. બે લાખની માંગણી કરી હતી, તેમજ ફ્રુકભાઈના ખિસ્સામાંથી રૂ.૧૬૦૦ રોકડા ભરેલું પાકીટ ઝૂંટવી લીધું હતું.
આ બનાવ અંગે ફારૂકભાઈના ભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે ઇકો કારનો પીછો કરી ગારીયાધાર ખાતે કારને ઝડપી લીધી હતી અને કારમાં યુવકને ઉઠાવી જનાર સાવરકુંડલાના માહિર અલારખભાઈ સમા, પરવેઝ ઇકબાલભાઈ કુરેશી, વસીમ જીભાઇ રાઠોડ, નૌશાદ મહેબુબભાઇ કુરેશી અને દિલાવરખાન પઠાણને હસ્તગત કરી ભાવનગર લઈ આવ્યા હતા.
આ બનાવ અંગે બોરતળાવ પોલીસે સાવરકુંડલાના પાંચ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.