રાજ્ય સરકારની જાહેરાત રીન્યુ કરવા રૂ.5.40 લાખની લાંચ માંગી તે પૈકીની અડધી રકમ રૂ.2.70 લાખ અખબારના સંચાલક પાસેથી સ્વીકારતા સુરતની પ્રાદેશિક માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક અને જુનિયર ક્લાર્કને સુરત એસીબીએ નાનપુરા બહુમાળી કંપાઉન્ડની બહાર એક ઝેરોક્ષની દુકાનમાંથી રંગેહાથ ઝડપી લીધા હતા.
એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એક દૈનિક અખબારના સંચાલકે તેમના અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેરખબરો પ્રકાશિત કરવા જાહેરખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટેની કાર્યવાહી નાનપુરા સ્થિત પ્રાદેશિક માહિતી કચેરીમાં કરી હતી.જો કે, જાહેરાત રીન્યુ કરવા માટે સહાયક માહિતી નિયામક કવસિંગભાઇ જાલાભાઈ પરમાર અને જુનિયર ક્લાર્ક સતિષભાઈ દયારામ જાદવે રૂ.5.40 લાખની લાંચની માંગણી કરી તે પૈકી રૂ.2.70 લાખ પહેલા આપવા કહ્યું હતું.
લાંચ આપવા નહીં માંગતા દૈનિક અખબારના સંચાલકે આ અંગે સુરત એસીબીમાં ફરિયાદ આપતા મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુરત એસીબીના વુમન પીઆઈ એ.કે.ચૌહાણે છટકું ગોઠવ્યું હતું તે મુજબ નાનપુરા બહુમાળી કંપાઉન્ડની બહાર એક ઝેરોક્ષની દુકાનમાં બંનેએ દૈનિક અખબારના સંચાલક સાથે વાતચીત કર્યા બાદ સહાયક માહિતી નિયામક કવસિંગભાઇ પરમારના કહેવાથી જુનિયર ક્લાર્ક સતિષભાઈ જાદવે લાંચની રકમ રૂ.2.70 લાખ સ્વીકારી તે સાથે જ એસીબી ત્રાટકી હતી અને બંનેને રંગેહાથ ઝડપી પાડી તેમની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાદેશિક માહિતી કચેરીમાં એસીબીની આ સંભવતઃ પ્રથમ કાર્યવાહી છે