વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય અને ઝળહળતો વિજય મેળવ્યા બાદ હવે નવી સરકારની રચના માટે કવાયત હાથ ધરાઈ છે ત્યારે ભાવનગર જિલ્લામાંથી નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે ? તેની ચર્ચા અને અટકળો વહેતી થઈ છે. પ્રાથમિક તબક્કે જાેઈએ તો ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય પરસોતમ સોલંકી અને પશ્ચિમ બેઠકના ધારાસભ્ય જીતુ વાઘાણીનો સમાવેશ નવા મંત્રીમંડળમાં થવાની સંભાવના જાેવાઈ રહી છે.
ભુપેન્દ્ર પટેલની સરકારમાં ભાવનગરમાંથી જીતુ વાઘાણી અને આર.સી. મકવાણાનો મંત્રીમંડળમાં સમાવેશ થયો હતો ત્યારે હવે નવી સરકારમાં પણ ભાવનગરનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવી આશા સેવામાં આવી રહી છે. કેબિનેટ શિક્ષણ પ્રધાન રહેલા જીતુ વાઘાણીએ ફરીથી ભવ્ય મેળવી લીધી છે ત્યારે તેમને મંત્રી મંડળમાં કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવું અનુમાન છે, તો કોળી સમાજના કદાવાર નેતા અને ભાજપની અન્ય બેઠકની જીતમાં પણ મહત્વનું પરિબળ બનેલા પરસોતમ સોલંકીને નવા મંત્રીમંડળમાં ફરીથી સ્થાન મળે તેવી પૂર્ણ સંભાવના છે. ગત વખતે તેમને પડતા મૂકી આર.સી. મકવાણાને મંત્રી બનાવાયા હતા. પરંતુ ચૂંટણીમાં મત મેળવવાના સમયે પરસોતમ સોલંકીનું વર્ચસ્વ ભાજપને ફરી એક વખત કામ લાગ્યું હતું. તેમની તાકાતનો ઉપયોગ ભાજપે કરી મહત્વપૂર્ણ કહી શકાય તેવી સફળતા પણ મેળવી છે, ત્યારે સરકારમાં આ વખતે પરસોતમભાઇ બાદબાકી થાય તે માની શકાય તેમ નથી.! તો જીતુભાઈ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, ભાજપ સરકારે પ્રવકતા જેવી મહત્વની જવાબદારી સોંપી હતી. આથી રાજકીય કદ અને જીતની હેટ્રીક થતાં જીતુભાઇ સ્થાન નવા મંત્રી મંડળમાં નિશ્ચિત મનાય છે.
આ ઉપરાંત ભાવ. પૂર્વની બેઠક પરથી જંગી લીડ સાથે જીતેલા સેજલબેન પંડ્યાનો પણ સમાવેશ થશે તેવી અટકળો વહેતી થઈ છે. ગુજરાત સરકારના મંત્રી મંડળમાં જ્ઞાતિ સમીકરણો પણ જાેવાશે ત્યારે તેમાં કોણ ફીટ બેસે છે તે પણ મહત્વનું રહેશે. હાલ તો સીનીયોરિટી અને વર્ચસ્વના ધોરણે વાઘાણી અને સોલંકી આ બે ચહેરા મંત્રી મંડળમાં સ્થાન પામે તેવું વિશ્લેષકોનું માનવું છે. પછી આતો ભાજપ કહેવાય, નવા પ્રયોગો કરવામાં અને સરપ્રાઇઝ માટે જાણીતું છે ત્યારે અન્ય કોઈને મંત્રી મંડળમાં સ્થાન મળે અને આ બે પૈકી કોઈ રહી પણ જાય.!!