છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે ભાવનગર જિલ્લા સહિત સમગ્ર વહીવટી તંત્ર અને સરકારી કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોય કચેરીઓમાં કામકાજ લગભગ બંધ હોવા જેવું થઈ જવા પામેલ હવે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા સોમવારથી ફરી સરકારી કચેરીઓ ધમધમતી થશે અને અરજદારોના પેન્ડિંગ રહેલા કામો શરૂ થશે તેવી આશાઓ વ્યક્ત કરાઈ રહી છે.
ભાવનગર શહેર અને જિલ્લાની તેમજ તાલુકા કક્ષાએ આવેલી સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ છેલ્લા એકાદ મહિનાથી ચૂંટણીલક્ષી કામગીરીઓમાં જાેડાઈ જવાના કારણે મોટાભાગની સરકારી કચેરીઓ સુમસામ થઈ જવા પામેલ અને કામગીરી ઠપ થઈ જવાના કારણે અરજદારોને પોતાના વહીવટી કામો માટે ધક્કા થઈ રહ્યા હતા હવે ચૂંટણી પૂર્ણ થતા અને પરિણામો પણ જાહેર થતાં અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણીની કામગીરીના ભારણમાંથી મુક્ત થયા છે અને આચાર સહિતા નો અમલ પણ આજે તારીખ ૧૦ ને શનિવારથી પૂર્ણ થયો છે ત્યારે હવે આગામી તારીખ ૧૨ ને સોમવારથી ભાવનગર શહેર અને જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ફરીથી રાબેતા મુજબ ધમધમતી થશે અને લોકોના બાકી રહેલા કામો શરૂ થશે તેવું મનાઈ રહ્યું છે.