ભાવનગરની સરદાર પટેલ સોસાયટીમાં રહેતા બિલ્ડરને પિતા પુત્ર એ ધમકી આપી ધોકો લઈને મારવા દોડતા બિલ્ડરે બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરની સરદાર પટેલ સોસાયટી પ્લોટ નં. ૧ માં રહેતા અને બિલ્ડીંગ કોન્ટ્રાક્ટનું કામ કરતા જગદીશભાઈ મોહનભાઈ મેઘાણી (ઉ.વ. ૪૫) એ શહેરના આખલોલ જકાતનાકા, આનંદજી પાર્ક ૧ માં ભાગીદારીમાં પાંચ મકાન બનાવેલ હતા. જે યોજના બે વર્ષ પહેલા પૂર્ણ થઈ ગયેલ હોય,તેમજ આ યોજનામાં બાકી નીકળતા નાણાં શાંતિનગરમાં રહેતા કિરીટસિંહ એચ. ચુડાસમાએ ચૂકવેલા ના હોય તેવો તેની પાસે અવારનવાર ઉઘરાણી કરતા હતા. દરમિયાન ગઈકાલે જગદીશભાઈ તેમના ભાગીદાર મુકેશભાઈ અને પ્રવીણભાઈને સાથે રાખી કિરીટસિંહ ચુડાસમાના ચીત્રામાં આવેલ કારખાનામાં ઉઘરાણીએ ગયા હતા ત્યારે ઉશ્કેરાઈ ગયેલા કિરીટસિંહે ધોકો લઈ મારવા દોડી ધમકી આપી હતી. ત્યારબાદ તેના પુત્ર રાજપાલસિંહે પણ ફોન કરીને ધમકી આપી હતી.
આ બનાવ અંગે જગદીશભાઈએ પિતા પુત્ર વિરુદ્ધ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.