ભાવનગર નજીક ભાલમાં આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારી ઉપર તેના ઉપરી અધિકારીએ ધોલધાપટ કરીને મૂંઢમાર મારતા ઇજાગ્રસ્ત બીટ ગાડે તેના ઉપરી અધિકારી વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર નજીક વેળાવદરમાં આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા ( ઉ.વ.૨૮ ) ગઈકાલે તેમની બીટમાં રાઉન્ડ લઈ સાંજે વન વિભાગની ઓફિસે પરત આવ્યા હતા અને દિવસ દરમિયાન તેમણે કરેલી કામગીરીનો રિપોર્ટ રાઉન્ડ ફોરેસ્ટર હરપાલસિંહ પૃથ્વીસિંહ ચુડાસમાને આપી તેમાં સહી કરવાનું જણાવતા હરપાલસિંહે સહી કરવાની ના પાડી હતી.
આ અંગે શૈલેન્દ્રસિંહે તેના ઉપરી અધિકારી આર.એફ.ઓ. ડી.જે. ગઢવીને રજૂઆત કરતા તેમણે ફોરેસ્ટરને બોલાવીને રિપોર્ટ સ્વીકારવાનું જણાવ્યું હતું.
બાદમાં શૈલેન્દ્રસિંહ રિપોર્ટ તૈયાર કરતા હતા ત્યારે તેના ઉપરી હરપાલસિંહે હું રિપોર્ટમાં સહી નહીં કરું તેમ કહી શૈલેન્દ્રસિંહને બેથી ત્રણ થપાટ ઝીંકી દઈ મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત શૈલેન્દ્રસિંહને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે શૈલેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ તેમના ઉપરી રાઉન્ડ ફોરેસ્ટર હરપાલસિંહ પૃથ્વીસિંહ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વેળાવદર ભાલ પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.