રીબડા ગામે ચોકડી ખાતે મોટી સંખ્યામાં વાહનોનો કાફલો પણ ખડકાઈ ગયો હતો. વાતાવરણ તંગ બને તે પૂર્વે જ રાજકોટ ગ્રામ્ય પોલીસના લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ ડીવાયએસપી સ્થાનિક પોલીસ તેમજ એસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જેના કારણે વાતાવરણ તંગ બનતા અટકી ગયું હતું. પોલીસે રીબડાના અનિરુદ્ધ સિંહ જાડેજા, રાજદીપ સિંહ, સત્યજીત સિંહ સહિત છ લોકો સામે વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રીબડા ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, માજી ધારાસભ્ય જયરાજ જાડેજા દ્વારા મારા પરિવારને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. મેં તેમજ મારા પરિવારે એક પણ વ્યક્તિએ પાટીદાર સમાજની વ્યક્તિને માર માર્યો નથી. જો કોઈ પાસે પુરાવા હોય તો તે પુરાવા રજૂ કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, પાટીદાર સમાજને અમારા પ્રત્યે ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઝાલા રીબડા ખાતે હાજર ન હોત તો અનેક લોથ ઢળી ગઈ હોત. અમારા ઘર સુધી 50 જેટલી ગાડીઓ આવી ગઈ હતી. પોલીસ પણ દંડા લઈને ઉતરી ગઈ હતી. તેમજ પોલીસે ચારથી પાંચ જેટલા વ્યક્તિઓને પોતાની ગાડીમાં બેસાડી પણ દીધા હતા.
બીજી તરફ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જે પ્રેસ કોન્ફરન્સમાં જયરાજસિંહ જાડેજાની સાથે રીબડા ગામના કેટલાક પાટીદાર વ્યક્તિઓ પણ સાથે હતા. જયરાજસિંહ જાડેજાએ પ્રેસ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આઝાદી બાદ પ્રથમ વખત થયું છે. અનિરુદ્ધસિંહ જાડેજાના પેટમાં તેલ રડાયું છે કે તેના ના પાડવા છતાં રીબડા ગામમાંથી ભારતીય જનતા પાર્ટીને 212 મત મળ્યા છે. રીબડા ગામે સરદાર પટેલ ગ્રુપના કાર્યક્રમો અંતર્ગત મારે જવાનું થયું હતું. ગુરૂવારના રોજ પણ સાંજે 7:00 વાગે હું રીબડા ગામે જાહેર સભા સંબોધવાનો છું. અનિરુદ્ધસિંહ જાડેજાને તેના પરિવારની દાદાગીરીને કાયમી નાથવાનું મે નક્કી કર્યું છે.
રીબડા ગામના પાટીદાર સમાજમાંથી આવતા અમિત ખૂંટે મીડિયામાં પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આજરોજ હું જ્યારે મારી વાડીએ પાણી વારી રહ્યો હતો. ત્યારે મારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરવામાં રાજદીપસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા તેમજ લાલાભાઇ નામની વ્યક્તિ સામેલ હતી. મારી પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ હથિયાર બતાવી મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે અમિત ખૂંટની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધ સિંહ જાડેજા તેમજ તેના બે પૌત્ર રાજદીપસિંહ જાડેજા અને સત્યજીતસિંહ જાડેજા સહિત કુલ છ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં જીજી બાપુના દીકરા ટીનુભા જાડેજા, તેમજ ધૃવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને દાઢી બાપુના દીકરા લાલભાઈ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.