ભાવનગરના કુંભારવાડા, નારીરોડ વિસ્તારમાં ત્રણ શખ્સોએ અગાઉ કરેલી પોલીસ ફરિયાદની દાઝ રાખી વિસ્તારમાં લારીઓમાં તોડફોડ કરી તેમજ એક ઇકોકારમાં પણ તોડફોડ કરી આતંક મચાવતા બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા, નારીરોડ,ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મોહસીનભાઈ યુનુસભાઈ ચૌહાણના સંબંધી અમનભાઈએ બોરતળાવ પોલીસ મથકમાં કરેલી ફરિયાદની દાઝ રાખી હારુન,ઇકબાલ ઉર્ફે ચીની અને ઘોઘારીએ આવી વિસ્તારમાં ધોકા વડે લારીઓમાં તોડફોડ કરતા દેકારો થયો હતો.દેકારો થતા મોહસીનભાઈ ઘરની બહાર આવ્યા હતા અને તોડફોડ કરતા લોકોને શા માટે તોડફોડ કરો છો? તેમ પૂછતા ઉશ્કેરાયેલા શખ્સોએ મોહસીનભાઈની ઇકો કાર ઉપર ધોકા પછાડી આગળ-પાછળના કાચ અને કારમાં ઘોબા પાડી દઈ રૂ.૨૨ હજારનું નુકસાન કર્યું હતું. દરમિયાન લોકો ભેગા થઈ જતા ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે મોહસીનભાઈએ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.