મહુવામાં રહેતા અને ખેતીકામ કરતા આધેડને તેના મિત્રએ પિતા પાસેથી વ્યાજે અપાવેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી પ્રોમિસરી નોટ અને ચેક દ્વારા હેરાન કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ મહુવાના મોતીચોક પાસે આવેલ હવેલી શેરીમાં રહેતા અને ખેતી કામ કરતા આધેડ ધીરુભાઈ નરસિંહભાઈ ખોડીફાડ ( ઉં. વ. ૫૪ ) એ તેમના દીકરીના લગ્ન પ્રસંગ અને ખેતીકામ માટે તેના મિત્ર મુકેશભાઈ કાંતિભાઇ મહેતાના પિતા પાસેથી ત્રણ કટકે રૂ. ૧૩ લાખ ૧.૨૫ ટકાના વ્યાજે લીધા હતા. આ રકમ સામે ધીરુભાઈએ કટકે કટકે રોકડા તેમજ ચેક દ્વારા રૂ.૬૦.૮૭ લાખ ચૂકવી દીધા હોવા છતાં તેના મિત્ર મુકેશભાઈ મહેતા ધીરુભાઈએ વધારાના રૂ.૨૨ લાખની માંગણી કરી રકમ ન ચૂકવે તો ધીરુભાઈએ આપેલ પ્રોમિસરી નોટ અને કોરા ચેક દ્વારા હેરાન કરવાની ધમકી આપી હતી.
આ અંગે ધીરુભાઈ ખોડીફાડે મહુવા પોલીસ અને રેન્જ આઈ.જી.ને અરજી કરતા મહુવા પોલીસે ધીરુભાઈની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.