રાજયમાં મનીલોન્ડરીંગ એક્ટ સંદર્ભે સતત એક મહિના સુધી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આ આદેશ જારી કર્યા છે. રાજ્યમાં જેટલા પણ વ્યાજખોરો હોય તેમને શોધીને તેમની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ ગુજરાત પોલીસને આપવામાં આવ્યા છે. અન અધિકૃત મની લેન્ડર વિરૂદ્ધ ગુજરાત પોલીસે બાંયો ચઢાવી દીધી છે.
નોંધનીય છે કે તમામ જિલ્લા અને શહેરના પોલીસ વડાઓનેઆ અંગે સુચના આપવામાં આવી છે. ગેરકાયદેસર નાણા ધિરનાર વિરૂદ્ધ પરિણામ લક્ષી કામગીરીની સૂચના જાહેર કરવામાં આવી છે. સામાન્ય નાગરિકને શારીરિક અને માનસિક ત્રાસ આપનારા વ્યાજખોરો સામે ગુજરાત પોલીસ હવે તવાઇના મુડમાં છે. મિલકત પડાવી લેવાના કિસ્સામાં પણ કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.
ગુજરાતમાં વ્યાજખોરીનું દૂષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. વ્યાજખોરીના ખપ્પરમાં અનેક પરિવારો હોમાયા છે. વ્યાજખોરો વ્યાજની દસથી વીસ ટકાવારી વસૂલી મુસીબતમાં ફસાયેલા નાગરીકોની મજબૂરીનો લાભ લઇ મોટી ટકાવારી વસૂલી વ્યાજખોરો વ્યાજે પૈસા લેનારનું જીવન દોહ્યલું બનાવી દેવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યાં છે. રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ આત્મહત્યા કરી હોવાના કિસ્સા પણ રોજબરોજ પ્રકાશિત થતાં જાેવા મળે છે.
તાજેતરમાં જ ગુજરાત રાજ્યના ફરીથી ગૃહમંત્રી બનેલા હર્ષ સંઘવી ગુજરાતમાં મજબુરીમાં ફસાયેલા અને ઉંચી ટકાવારી ભરતાં નાગરીકોના વ્હારે આવ્યાં છે અને વ્યાજખોરોને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે વ્યાજખોરીમાં અનેક પરિવારો વેરવિખેર થવા માટે વ્યાજખોરો જવાબદાર હોય છે. ઉંચી ટકાવારીમાં વ્યાજલેનાર ઇજ્જતદાર વ્યકિત પોતાની શાખ બચાવવા અને પોતાની તથા પોતાના પરિવારની થતી આબરૂની નીલામીના ડરથી મોતને વ્હાલું કરતાં પણ ખચકાટ અનુભવતાં નથી આવા અનેક લોકોએ ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધા છે. ગુજરાત પોલીસને આવા તત્વોને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલવાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી રહ્યાં હતા અને આખરે આદેશ જાહેર કરવામાં આવ્યા છે.