ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલ હોટલ પાસે ઉમરાળા પોલીસે દરોડો પાડી ૧૫ હજાર લિટર જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટ્રક કબજે કરી રંધોળાના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઉમરાળા પોલીસ કાફલો ગત રાત્રી દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, રંગોળા ગામમાં રહેતો અશોક ધીરુભાઈ કુવાડીયા ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહી રાખી અને તેનું વેચાણ કરે છે.જે હકીકત આધારે ઉમરાળા પોલીસે રંઘોળા ચોકડી નજીક આવેલ મોમાઈ કૃપા હોટલ પાસે દરોડો પાડતા પોલીસને જાેઈને અશોક કુવાડીયા ફરાર થઈ ગયો હતો.
ઉમરાળા પોલીસે હોટલ પાસે પાર્ક કરેલ ટ્રક નં. જી.જે.૧૨ વાય ૭૬૦૧ માં તપાસ કરતા ટ્રકમાં રાખેલા ટાંકામાં ચાર અલગ અલગ ખાનામાંથી ૧૫ હજાર લિટર જ્વલનશીલ પ્રવાહી ( કિં. રૂ.૭.૫૦ લાખ ) મળી આવ્યું હતું.
ઉમરાળા પોલીસે જ્વલનશીલ પ્રવાહી અને ટ્રક મળી કુલ રૂ. ૧૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી રંધોળાના ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.