અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 54મું પ્રદેશ અધિવેશન ભાવનગરના યજમાન પરે તારીખ 6 ને શુક્રવારથી શરૂ થયું છે. અધિવેશનનો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં થયો. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ પુનઃ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી ભુપેન્દ્રભાઈ પટેલ આ તકે પહેલીવાર ભાવનગર પધાર્યા હતા. તેમણે આ તકે યુવાશક્તિના પ્રયત્નોથી રાષ્ટ્રને વધુને વધુ મજબૂત બનાવવાની સરકારની નેમ હોવાનું કહી અનેક યોજનાઓ થકી યુવાનો ‘જોબ સિકર’ નહીં પરંતુ ‘જોબ ગિવર’ બન્યા હોવાનું જણાવ્યું હતું.
શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે આયોજિત ઉદ્ઘાટન સત્રમાં મુખ્યમંત્રી તથા ઉપસ્થિત મહાનુભવોનું સ્વાગત સમગ્ર ભાવનગરના અગ્રણીઓ વતી અને સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે લીલા ગ્રુપના ચેરમેન કોમલકાંત શર્માએ કરતા જણાવ્યું હતું કે, ભાવનગરના આંગણે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની ઉપસ્થિતિથી સમગ્ર કાર્યક્રમની ગરિમામાં વધારો થયો છે. આ ત્રિ- દિવસીય અધિવેશન છાત્રશક્તિ વિદ્યાર્થી પ્રતિભાને રાષ્ટ્રીય ભાવના અને નવા ધ્યેય તરફ લઈ જનાર છે ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાકાર થઈ રહેલ દિવ્ય- ભવ્ય ભારતની યુવા શક્તિને તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી કાળ દરમિયાન ત્રણ હેલ્થ ‘ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ અને મોરલ હેલ્થ’ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. અગ્રણી ઉદ્યોગપતિ કોમલકાન્ત શર્માએ પોતાના વિદ્યાર્થી કાર્યકાળને યાદ કરીને જણાવ્યું હતું કે તેઓ પણ વિદ્યાર્થી નેતા રહી ચૂક્યા છે અને ખંડનાત્મક નહીં પરંતુ હંમેશા રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે કામ કર્યું છે.
અધિવેશનમાં પ્રારંભે મુખ્યમંત્રી સહિતના મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી સત્રનો આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ તેમના પ્રેરક ઉદબોધનમાં કહ્યું હતું કે ગોહિલવાડની ધન્ય ધરા પર જ્ઞાન, શિલ અને એકતાના સમગ્ર સમન્વય થકી રાષ્ટ્રનિર્માણ કાર્ય એ.બી.વી.પી.ના આ અધિવેશન દ્વારા થઈ રહ્યું છે. એ.બી.વી.પી. એ રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર ઘડતર, રાષ્ટ્રહિત અને સમાજ સેવા સહિતની અનેક પહેલને એક છત્ર નીચે સમાવિષ્ટ કરી ચાલતું સંગઠન છે. વધુમાં ઉમેરાતા કહ્યું હતું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ દેશ અત્યારે સ્વતંત્રના ૭૫ વર્ષ પૂર્ણ કરી આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ્યો છે. વડાપ્રધાન દૃઢપણે માને છે કે દેશના વિકાસમાં યુવાનોની મહત્તવની ભૂમિકા છે. ભારત અત્યારે સૌથી વધુ યુવાનોની સંખ્યા ધરાવતો દેશ છે. જેથી આ યુવાશક્તિના પ્રયત્નોથી રાષ્ટ્રને વધુને વધુ મજબૂત બનાવવાની સરકારની નેમ છે. વૈશ્વિક કક્ષાના શૈક્ષણિક કોર્ષ અત્યારે ગુજરાતમાં ઘરઆંગણે ઉપલબ્ધ છે. હવે યુવાનો શિક્ષણની સાથે સાથે જ તાલીમ અને રોજગાર મેળવી રહ્યા છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનના પ્રયત્નોથી સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના સહિતની સુવિધાઓ દ્વારા આપણા યુવાનો જોબ સિકર નહીં પરંતુ જોબ ગિવર બન્યા છે.
દેશ અને ગુજરાતના યુવાનો આટલા મક્કમ બનાવવામાં એ.બી.વી.પી.ની ભૂમિકા અતિ મહત્વની છે. આ સંગઠને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો માર્ગ અપનાવ્યો છે. સ્વતંત્રતા સંગ્રામના ગુમનામ નાયકોના બલિદાનની વાતો પણ એ.બી.વી. પી. એ લોકો સુધી પહોંચાડી છે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સંજયભાઈ ચૌહાણ, અતિથિ વિશેષ ડો. છગનભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, શિવાભાઈ ગોહેલ, સેજલબેન પંડ્યા, ડે.મેયર કુમાર શાહ, મ્યુ. સ્ટેન્ડિંગ ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા સહિતના ગણમાન્ય લોકો, આગેવાનોની ઉપસ્થિતી રહી હતી.