જામનગરમાં ગઇકાલે રાત્રે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બની અફવાને પગલે ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિગ કરાયું હતું. આ તરફ મોડી રાત્રે વિમાનના ચેકિંગ બાદ મુસાફરોના સામાનનું ચેકિંગ પૂરું થયું હતું. જોકે રાહતના સમાચાર એ છે કે, મુસાફરોના સામાનમાં કઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ સાથે ફ્લાઈટમાં પણ કઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ હવે સંપૂર્ણપણે હાશકારો અનુભવ્યો છે.
મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બૉમ્બ હોવાનો માહિતી મળી હતી. જેને પગલે પ્લેનને જામનગર એરપોર્ટ ખાતે તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જે બાદમાં પોલીસ, બૉમ્બ સ્કોડ એરપોર્ટ પર તહેનાત હતા. જ્યારે 7 થી 8 જેટલી એમ્બ્યુલન્સ સાથે સ્ટાફ અને પોલીસ કાફલો એરપોર્ટ પર ખડેપગે રહ્યો હતો.ગોવા ATCને બોમ્બ અંગેનો ઇ-મેલ મળ્યો હતો. જે ઇ-મેલ મળ્યા બાદ ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. પોલીસ કાફલો, બૉમ્બ સ્કવોર્ડ અને જામનગર 108 એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ એરપોર્ટ પર દોડી ગયા હતા. ફ્લાઈટમાં વિદેશી પેસેન્જરો સવાર હોવાની માહિતી મળી હતી. બીજી તરફ આ ઘટનાને પગલે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધીકારીઓ, પોલીસ, 108 અને બૉમ્બ સ્કવોર્ડની ટીમ એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા.
બાદમાં NSG દ્વારા વિમાન અને મુસાફરોના સામાનનું ચેકિંગ પૂરું કરાયું હતું. જોકે બાદમાં ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાત અફવા સાબિત થઈ છે. આ સાથે ફ્લાઈટમાં સવાર તમામ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે.