એક તરફ ઉતરાખંડમાં જમીન ધસવાની કુદરતી કટોકટીનો પ્રારંભ થયો છે તે સમયે જ ઉતરાખંડના વધુ શહેરો પણ જોખમમાં હોવાનું નિષ્ણાંતોએ ચેતવણી આપી છે અને કર્ણપ્રયાગમાં પણ અનેક ઘરોમાં તિરાડ જોવા મળતા રાજય સરકાર એ અહી પણ નિષ્ણાંતોની ટીમને દોડાવી છે.
કર્ણપ્રયાગ મ્યુનિસીપાલીટીના અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરના બહુગુણાનગર ના કેટલાક મકાનોમાં પણ તિરાડો થવા લાગતા તુર્ત જ ત્યાંથી વસવાટ કરતા લોકોને સાવધ કરી દેવાયા છે. આ ઉપરાંત અહીના આસપાસના કેટલાક ગામોમાં પણ જોશીમઠ જેવી સ્થિતિ સર્જાવા લાગી છે. કર્ણપ્રયાગમાં સ્થાનિક સતાવાળાઓએ તિરાડોના સમારકામ અંગે પણ નિષ્ણાંતોની ટીમને દોડાવી છે પરંતુ આ ટીમે સ્પષ્ટ કર્યુ છે કે ફકત જોશીમઠ જ નહી પણ નૈનીતાલ અને ઉતરાખંડના અન્ય ગામોમાં પણ આ રીતે જમીન ધસી પડવાનું જોખમ છે. 1880માં નૈનીતાલમાં આ પ્રકારે જે કુદરતી દુર્ઘટના સર્જાઈ હતી તેવી સ્થિતિ હાલ બની રહી છે. કર્ણપ્રયાગ અને ગોપેશ્ર્વર એ બંને ચમેલી જીલ્લા ઉપરાંત તહેરી જિલ્લાના ગંસારીમાં પણ આડેધડ બાંધકામ થયુ છે અને બહુમાળી ઈમારતો બની છે. પાણીના વહેણને ફેરવવામાં આવ્યા છે. નૈનીતાલ અને અન્ય શહેરોમાં આ રીતે થયેલા બાંધકામથી જોખમ વધ્યુ છે.