ભાવનગરના ૧૫૦ ફુટ રિંગરોડ પર રહેતા પટેલ પતિ-પત્ની અને તેના પુત્રએ કોઈ કારણોસર સજાેડે ઝેરી દવા પી લેતા ત્રણેયને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,જ્યાં આજે વહેલી સવારે મહિલાનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સામુહિક રીતે વિષપાન કરી લેવાની આ ઘટનાએ અનેક સવાલો સજ્ર્યા છે. બનાવનું કારણ જાણવા પોલીસે પણ મથામણ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગરના ઘોઘારોડ પાસેના ૧૫૦ ફુટ રીંગરોડ પર આવેલ બાલયોગીનગર,શ્યામ ફ્લેટ પાસે રહેતા અને ખાનગી નોકરીયાત જતીનભાઈ કિરીટભાઈ પટેલ,તેમના પત્ની બીનાબેન જતીનભાઈ પટેલ અને પુત્ર વિશાલભાઈ જતીનભાઈ પટેલે ગત તા.૯/૧ ના રોજ સવારે તેમના ઘરે કોઈ અકળ કારણોસર સજાેડે ઝેરી દવા પી લેતા ત્રણેયને ગંભીર હાલતે સારવાર અર્થે ડો.વાઘેલાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન ગત મોડી રાત્રીના બીનાબેન (ઉ.વ.૫૫)ની તબિયત વધુ લથડતા તેમને સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,જ્યાં તેમનું વહેલી સવારે ૩ વાગ્યા આસપાસ મોત નીપજ્યું હતું. જ્યારે ઝેરી દવા પી લેનાર પિતા,પુત્રની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.
દંપતી અને તેના પુત્રએ ક્યા કારણોસર સજાેડે ઝેરી દવા પીધી તે સહિતના કારણો જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.