લાખો ભાવિકોના આસ્થાના કેન્દ્ર પૂ. બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે આજે બાપાની ૪૬મી પુણ્યતિથિનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. છેલ્લા બે વર્ષમાં કોરોના સંક્રમણ અને નિયંત્રણના કારણે મહોત્સવ થઇ શક્યો ન હતો પરંતુ આ વખતે કોઇ નિયંત્રણ કે સંક્રમણ પણ નહીં હોવાથી મહોત્સવ આયોજીત થયો હતો જેમાં સમગ્ર ગુજરાત અને રાજ્યની બહારથી પણ ભાવિક ભક્તજનોએ બગદાણા આવીને પૂ.બજરંગદાસબાપાના શરણે માથુ ટેકવી નતમસ્તક થયા હતા. પૂણ્યતિથિ મહોત્સવમાં પરંપરાગત નગરયાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતાં.

પોષ વદી ચોથના રોજ પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાતી આવી છે. જેના ભાગરૂપે આજે બુધવારના રોજ ૪૬મી પુણ્યતિથિ મહોત્સવ ઉજવાયેલ. પૂણ્યતિથિ મહોત્સવમાં ભાગ લેવા અને પૂ.બજરંગદાસબાપાને માથુ ટેકવવા વહેલી સવારથી જ ભાવિકોનો સમુહ બગદાણા તરફ વહ્યો હતો. ગુરુ આશ્રમથી આ દિવસના ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ વહેલી સવારથી ધાર્મિક વિધિ સાથેના કાર્યક્રમો શરૂ થયા હતાં. જેમાં મંગળા આરતી સવારે ૫ થી ૫ઃ૩૦ કલાકે, ધ્વજા પૂજન સવારે ૭ઃ૩૦ થી ૮ઃ૧૫ કલાકે, ધ્વજા રોહણ સવારે ૮ઃ૧૫ થી ૮ઃ૩૦ કલાક તેમજ મહિમાપૂર્ણ ગુરુપૂજન સવારે ૮ઃ૩૦ થી ૯ઃ૩૦ કલાકે યોજાયેલ ત્યારબાદ રાજભોગ આરતી સવારે ૯ઃ૩૦ કલાકે તેમજ પૂજ્ય બાપાની રંગદર્શી નગરયાત્રા સવારે ૧૦ કલાકે શરૂ થઈને આખા બગદાણા ગામમાં ફરી હતી. તેમજ બાદમાં પ્રસાદ-ભોજન વિતરણ પ્રારંભ કરાયો હતો.
પૂજ્ય બાપાની આ પુણ્યતિથિ મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવ સમુદાય ઉપસ્થિત રહેવાનો હોય અહીં સર્વ ટ્રસ્ટી મંડળની દેખરેખ હેઠળ દિવસોથી તૈયારી હાથ ધરાઇ હતી. દર્શન વિભાગ, ચા-પાણી, ગોપાલગ્રામ ભોજનાલય (ભાઈઓ માટે), નવા ભોજનાલય (બહેનો માટે) તેમજ પાર્કિંગ, સુરક્ષા વગેરે વિભાગોમાં સેકડો સ્વયંસેવક ભાઈઓ બહેનો સેવા બજાવી હતી.






