દેવભૂમિ દ્વારકા ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ પ્રવસે આવેલ એક બસમાંથી તળાજાના શિક્ષકનું પટકાઈ જતા ગંભીર ઇજાઓ થવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ બનતા વિદ્યર્થીઓ તેમજ અન્ય શિક્ષકોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે મૂળ ભાવનગર જિલ્લાના વતની અને હાલ તળાજા ખાતે રહેતા હર્ષદભાઈ રમેશભાઈ જાની નામના ૩૫ વર્ષીય શિક્ષક સ્કૂલનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સાથે દેવભૂમિ દ્વારકાના શૈક્ષિણીક પ્રવાસે આવ્યા હતા. અને દ્વારકા દર્શન કરી પરત જૂનાગઢ જવા નીકળ્યા હતા. દરમ્યાન દ્વારકા હાઈ વે રોડ પર હર્ષદભાઈને કોઈ ફોન આવતા પોતાની સીટ પરથી ઉભા થઈને વાત કરવા બસના દરવાજા પાસે ગયા હતા. જ્યાં વાત કરતી વેળાએ તેઓ અચાનક બસમાંથી પટકાઈ પડ્યા હતા. અને તેઓને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને લઈ સાથે રહેલ શિક્ષક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓમાં ગમગીની છવાઈ ગઈ હતી.