અમદાવાદમાં પેપર કપ બાદ હવે પ્લાસ્ટિકની થેલી પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ચાની કીટલી પર પાર્સલ કરવા માટે આપવામાં આવતી થેલીઓના વપરાશ બંધ કરાવશે.
કીટલીઓ પર ચા પાર્સલ કરવા માટે જે 60 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીનો વપરાશ કરવામાં આવે છે. તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સફાઈ અને ગંદકીને લઈને કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે ચાની કીટલીઓ ઉપર ચા પીવા માટે વાપરવામાં આવતા પેપર કપ અને પાર્સલ માટે વપરાતી પ્લાસ્ટિકની થેલીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, શહેરમાં મોટાભાગે ચા પાર્સલ કરવા માટે 60 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલી વાપરવામાં આવે છે જે પ્રતિબંધિત છે. છતાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. લોકો દ્વારા થેલીઓને પણ રોડ ઉપર કચરાની સાથે જ ફેંકવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચા માટે વપરાતા પેપર કપ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે, પેપર કપમાં અંદર લગાવાતું પડ આરોગ્ય માટે જોખમી છે. સાથે જ કીટલી પર ચા માટે વપરાતા પેપર કપથી કચરો ફેલાય છે. જે સ્થળો પર કચરો વધારે ઉત્પન્ન થતો હોય તેવા સ્થળોનો સર્વે કોર્પોરેશન દ્વારા કરાયો હતો. જેમાં કચરાનું વધુ સર્જન ચાના પેપર કપના કારણે થતું હોવાનું જાણવા મળ્યું હતું.