આજે પઠાન ફિલ્મ રિલીઝ થઈ છે. ત્યારે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ મલ્ટિપ્લેક્સ અને થિયેટર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
બોલિવૂડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાન ભારે વિવાદોમાં ઘેરાયેલી રહી છે, જે આજે રિલીઝ થઈ ગઈ છે. જેના કારણે અમદાવાદમાં આજે થિયેટર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પઠાન ફિલ્મ રિલીઝ થતાં થિયેટરો-મલ્ટિપ્લેક્સમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અમદાવાદના થલતેજમાં PVR સિનેમા બહાર પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી આજે રિલીઝ થતી પઠાન ફિલ્મ જોવા પહોંચ્યા છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યુ છે. સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, થિયેટર માલિકો દ્વારા ફિલ્મ રિલીઝને લઇ પ્રોટેક્શન માગવામાં આવ્યું હતું.
હિન્દુ સંગઠનો દ્વારા નહીં કરવામાં આવે વિરોધ
પઠાન ફિલ્મની રીલીઝ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ક્ષેત્ર મંત્રી અશોક રાવલે જણાવ્યું હતું કે ‘પઠાન ફિલ્મમાં ઘણા વાંધાજનક અશ્લીલ દ્રશ્યો હતા, જેને લઈ અમારો વિરોધ હતો કે આવી ફિલ્મ રજૂ ન થવી જોઈએ. પરંતુ સમગ્ર હિન્દુ સમાજની માંગને ધ્યાને લઈ સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મમાં 40 થી 45 જેટલા વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવ્યા છે. જેને લઈ ફિલ્મનો હવે કોઈ વિરોધ નથી, ફિલ્મમાં કપડાના કલર અને મોટા ભાગે બોલ્ડ સીન દૂર કરી દેવામાં આવ્યા છે. લોકો પણ સામાન્ય વિવેકબુદ્ધિ વાપરી ફિલ્મ જોવા જાય, અને સેન્સર બોર્ડને ટકોર કરવામાં આવી છે કે આવા સીન પહેલેથી જ દૂર કરી દેવા જોઈએ, ભવિષ્યમાં પણ ફરી આવું ન થાય તેનું ધ્યાન રાખવા સેન્સર બોર્ડને રજૂઆત પણ કરવામાં આવી છે. સેન્સર બોર્ડના નિર્ણયને લઈ સમગ્ર હિન્દુવાદની જીત છે.’