ભાવનગર મહાપાલિકાના એસ્ટેટ વિભાગની સુચના તળે દબાણ હટાવ વિભાગે આજે રાજકોટ રોડ પર દેસાઇનગર સહિતના વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો અને ૮ જેટલી કેબીનો જપ્ત લીધી હતી. આ ઉપરાંત જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે પાર્ક કરાયેલ વાહનો સામે પણ આજથી કાર્યવાહીના શ્રીગણેશ કરી ૩ ટ્રાવેલ્સની બસ ઉપરાંત એક છોટાહાથીને લોક કરી રૂા.૬ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.
કમિશનરની સીધી સુચના તળે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ભાવનગરમાં ઓપરેશન દબાણ હટાવ ચાલી રહ્યું છે જેમાં કમિશનર ઉપસ્થિત રહી પોતાની દેખરેખ તળે દંડનીય કાર્યવાહી સાથે કેબીન, કાઉન્ટર, બાકડા, લારી વિગેરે જપ્ત કરાવી રહ્યા છે. આજે ઓપરેશન દબાણ હટાવ શહેરના રાજકોટ રોડ પર હાથ ધરાયું હતું જેમાં દેસાઇનગર પેટ્રોલ પંપ પાસે સર્વિસ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે અલંકાર ટ્રાવેલ્સની ૩ બસો પાર્ક કરેલી જાેવા મળતા કોર્પોરેશનની ટીમે તેને લોક કરી હતી. આ ઉપરાંત અન્ય એક અલીભાઇ સલમાનભાઇની માલિકીનો છોટા હાથી ટેમ્પો પણ આ રીતે ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલો જાેવા મળતા તેની સામે પણ કાર્યવાહી કરાઇ હતી. ઉક્ત ચારેય વાહનોના દંડ પેટે કોર્પોરેશને રૂા.૬૦૦૦ વસુલ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, કદાચીત મહાપાલિકાના ઇતિહાસમાં આ કાર્યવાહી પ્રથમવાર થઇ છે. જાે શહેરમાં કોર્પોરેશન દ્વારા આ પ્રકારે આકરૂ વલણ દાખવીને દંડનીય કાર્યવાહી થાય તો શહેરમાં ગેરકાયદે ઉભા રહેતા વાહનો બંધ થાય અને ટ્રાફિકની સમસ્યાનો મહદઅંશે ઉકેલ આવી શકે છે. આજથી આ અભિયાનના શ્રીગણેશ થયા છે ત્યારે આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રહે છે કે કેમ તે જાેવું રહ્યું.
એસ્ટેટ વિભાગની સુચના તળે દબાણ હટાવની ટીમે આજે દેસાઇનગરમાં પ્રમુખદર્શન કોમ્પ્લેક્ષ પાસે ગેરકાયદે ખડકાયેલ સાતથી આઠ કેબીન પણ કબ્જે લઇ તંત્રએ દબાણ હટાવ કાર્યવાહી કરી હતી.