બિહારના ભોજપુરના શાહપુરમાં સોમવારે રાત્રે જન અધિકાર પાર્ટી (જેએપી)ના સુપ્રીમો પપ્પુ યાદવના કાફલાના વાહનોને અકસ્માત નડ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટનામાં 4 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે પપ્પુ યાદવ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.
જન અધિકાર પાર્ટી (જેએપી)ના સુપ્રીમો પપ્પુ યાદવના કાફલાના વાહનો ક્સર જિલ્લામાં ચક્કી જતા સમયે એકબીજા સાથે અથડાઈ ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે. ઉતાવળમાં તમામ ઇજાગ્રસ્તોને શાહપુર પોલીસ દ્વારા રેફરલ હોસ્પિટલમાં લાવીને સારવાર આપવામાં આવી હતી.
શાહપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંજીવ કુમાર અને શૈલેષ કુમારના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે મોડી રાત્રે પટના-બક્સર ફોરલેન પર પોલીસ સ્ટેશન વિસ્તારના કુંડેશ્વર ગામ પાસે બની હતી. આ અકસ્માતમાં બક્સર જિલ્લા પ્રમુખ સુનીલ સિંહ અને એન્જિનિયર દિનેશ સિંહ અને અન્ય લોકોને ઈજા થઈ છે. નોંધનીય છે કે, અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. તમામ ઇજાગ્રસ્તોને તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી. જોકે તમામ ઈજાગ્રસ્તો ખતરાની બહાર હોવાનું કહેવાય છે.