ભાવનગર નજીક કાળાતળાવ ગામ પાસે આવેલ નિરમા કંપનીમાં ભેળસેળયુક્ત કોલસાનો જથ્થો ભરી આવેલ ટ્રકને સિક્યુરિટી સુપરવાઇઝર એ ઝડપી લીધો હતો અને કોલસાનું લેબ ટેસ્ટીંગ કરાવતી વખતે સિક્યુરિટી સ્ટાફ સાથે મારામારી કરતા વેળાવદર ભાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર કાળા તળાવ ગામ પાસે આવેલ નિરમા કંપનીમાં ઇન્ડો કોલ લઈને આવતો ટ્રક નં. જી.જે. ૨૭ યુ ૯૫૯૦ માં ભેળસેળયુક્ત કોલસાનો જથ્થો ભરેલો હોવાની બાતમી નિરમા કંપનીના આસિસ્ટન્ટ મેનેજર કર્નલ અનુપ એ આપતા સિક્યુરિટી સુપરવાઇઝર દેવબહાદુર મેઘબહાદુર ગુરુન એ બાતબીવાળા ટ્રકને કંપનીના ગેટ પર અટકાવી તપાસ કરતા ટ્રકની અંદર ભેળસેલ્યુક્ત કોલસો ભરેલો હોવાનું માલુમ પડ્યું હતું. આથી ટ્રકને કંપનીની લેબ પાસે પાર્ક કરાવી તેનું ટેસ્ટીંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન ટ્રક ચાલક પારસ દિનેશભાઈ બારૈયા અને તેની સાથેના સતીશ પોપટભાઈ વાજાએ સિક્યુરિટી સ્ટાફને ગાળો આપી મારામારી કરી બંને ભાગવા જતા સતીશ પોપટભાઈ વાજાને સિક્યુરિટી સ્ટાફે ઝડપી લીધો હતો.
આ બનાવ અંગે સિક્યુરિટી સુપરવાઇઝર દેવબહાદુર ગુરુન એ વેળાવદર ભાલ પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ભેળસેળયુક્ત કોલસા ભરેલો ટ્રક લાવી કંપની સાથે રૂ. ૧,૬૮,૭૨૧ ની છેતરપિંડી કર્યાની તેમજ સિક્યુરિટી સ્ટાફ સાથે મારામારી કર્યાની ફરિયાદ નોંધાવતા વેળાવદર ભાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.