ભાવનગર નજીક આવેલ નિરમા કંપનીમાં ટ્રક છોડાવવા માટે આવેલા ત્રણ શખ્સોએ સિક્યુરિટી સ્ટાફને ગાળો આપી, તલવાર લઈને મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપતા વેળાવદર ભાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર નજીક કાળા તળાવ ગામ પાસે આવેલ નિરમા કંપનીમાં સિક્યુરિટી ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહ ભીમસિંહ કઠાયત તેમના ફરજ સ્થળે હાજર હતા ત્યારે તા.૧૨/૨ ના રોજ મોદી સાંજે નંબર પ્લેટ વગરની કાર લઈને ત્રણ શખ્સો ગેટ ઉપર આવ્યા હતા અને પીપાવાવથી લાઈમ સ્ટોન ભરેલ ગાડી અંદર આવેલ હોઈ જેથી અંદર જવાનું કહેતા સિક્યુરિટી ઇન્સ્પેક્ટરે આ ગાડી કાલે સવારે લાગશે એટલે તમે સવારમાં આવજા એમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય શખ્સે સિક્યુરિટી ઓફિસર વિક્રમસિંહ અને ગાર્ડ કુમારપાળ સાથે ઝઘડો કરી,ઝપાઝપી કરી, તલવાર લઈને મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સિક્યુરિટી સ્ટાફના અન્ય માણસો આવી જતા ત્રણેય શખ્સ કારમાં બેસી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે સિક્યુરિટી ઇન્સ્પેક્ટર વિક્રમસિંહએ રાજુ, ચેતન અને કિરીટ નામના ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વેળાવદર ભાલ પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.