ભાવનગરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કોલ્ડ સ્ટોરેજમાં માલવાહક લિફ્ટ તૂટી પડતા બે વ્યક્તિના મોત નીપજ્યાં હતા, જ્યારે સાત વ્યક્તિને ઈજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવના પગલે બોરતળાવ પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ જીઆઇડીસી, પ્લોટ નં.૧૫૦ માં આવેલ ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખની માલિકીના સાઈ કોલ્ડ સ્ટોરેજમાં ગઈકાલે બપોરના સમયે આવેલ ટ્રકમાંથી માલ સામાન ઉતારી કોલ્ડ સ્ટોરેજમાં છઠ્ઠા માળે પહોંચાડવાની કાર્યવાહી ચાલતી હતી તે દરમિયાન પાંચ અને છઠ્ઠા માળ વચ્ચે અચાનક લિફ્ટ તૂટી પડતા બનાવ સ્થળે હાજર નવ જેટલા શ્રમિકોને ઇજા થઇ હતી જે પૈકી એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
માલવાહક લિફ્ટ તૂટી પડવાની ઘટનામાં ધાર્મિક કુમાર અખિલેશભાઈ વિસનગરા અને જગદીશ કુમાર શર્મા નામના બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે સાત જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજા થતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ બંગાલીયાએ જણાવ્યું હતું કે, તેમના કોલ્ડ સ્ટોરેજમાં છેલ્લા દોઢ માસથી જમ્મુ કાશ્મીર પ્રાંતના શ્રમિકો કામ કરતા હતા.બનાવ અંગે દુઃખ વ્યક્ત કરી તેમણે શ્રમિકના મૃતદેહને તેમના વતન જમ્મુ કાશ્મીર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તૂટી પડવાની ઘટનાની જાણ થતા જ બોરતળાવ પોલીસ કાફ્લો ચિત્રા જીઆઇડીસી દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.