મહુવાના હરીપરા રોડ ઉપર આવેલ ફૂડઝના કારખાનામાં ભાવનગર જિલ્લા શ્રમ અધિકારી તેમજ ટાસ્ક ફોર્સે દરોડો પાડી કારખાનની અંદર કામ કરતા ચાર બાળ શ્રમિકોને મુક્ત કરાવી કારખાનાના માલિક વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં બાળમજૂર પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરાયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહુવાના હરીપરા રોડ પર આવેલ ઇમરાનઅલી હમીરઅલી નીંજારીયાની માલિકીના આર.એમ. ફુડ્સ નામના કારખાનામાં બાળ શ્રમિકોને કામે રાખી બાળમજૂર પ્રતિબંધ કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવતા ભાવનગર જિલ્લા શ્રમ અધિકારી બિપિનકુમાર મોદી અને ટાસ્ક ફોર્સ એ મહુવાના હરીપરા રોડ પર આવેલ આર.એમ.ફૂડઝ કારખાનામાં તપાસ કરતા કારખાનાની અંદર ચાર જેટલા બાળમજૂરો કામ કરતા મળી આવ્યા હતા.
શ્રમ અધિકારીએ કારખાનામાં કામ કરતા ચારેય બાળ મજૂરોને મુક્ત કરાવી ચિલ્ડ્રન વેલફેર કમિટી ભાવનગરને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી અને કારખાનાના માલિક ઇમરાનઅલી હમીરઅલી નીંજારિયા વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં કારખાનાના માલિક વિરુદ્ધ ચાઈલ્ડ એન્ડ એડોલિસન્ટ (પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન) એક્ટની કલમ ૩,૧૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.