શિપ રીસાયકલિંગ ઉદ્યોગમાં ઇમ્પોર્ટ કરવામાં આવતા જહાજ પરની ૨.૫ ટકા કસ્ટમ્સ ડ્યૂટી હટાવવા આખરે કેન્દ્ર સરકાર સહમત થઇ છે અને કસ્ટમ ડ્યુટી હટાવવા નિર્ણય લીધો છે જે અલંગ શિપ રિસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રોત્સાહનરૂપ રહેશે. ઉપરાંત પડોશી દેશો સાથે હરિફાઇ માટે સક્ષમ બનશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને શિપ બ્રેકીંગ ઇન્ડસ્ટ્રીઝમાં આવકાર મળ્યો છે. ખાસ કરી આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ અલંગમાં વધુ ને વધુ અપગ્રેડ થવા શિપબ્રેકરો સતત કાર્યરત છે ત્યારે કેન્દ્ર સરકારનો આ નિર્ણય તેમાં રાહતરૂપ બનશે.
અગાઉ સ્ક્રેપ પરની ઇમ્પોર્ટ પર કસ્ટમ ડ્યુટી નાબુદ કરવામાં આવી હતી. આથી શિપ રિસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝ માટે કસ્ટમ ડ્યુટીનો કોરડો બોજારૂપ બનેલ કારણ કે, વિદેશમાંથી આયાત થતા સ્ક્રેપ પર ડ્યુટી નહીં વસુલવા સરકારે નિર્ણય કર્યો હતો પરંતુ સ્ક્રેપ માટે આવતા જહાજ પરથી ડ્યુટી હટાવવા તત્કાલીન સમયે કોઇ નિર્ણય થયો ન હતો પરંતુ વડાપ્રધાન મોદીએ આ બાબતે સક્રિયતા દાખવતા આખરે સ્ક્રેપ માટે આવતા જહાજ પરથી ૨.૫% કસ્ટમ ડ્યુટી હટાવવાનો નિર્ણય થયો છે.
ભારતમાં આવતા સ્ક્રેપ માટેના જહાજ ઉપર કસ્ટમ ડ્યુટી લેવાતી હતી બીજી બાજુ પડોશી દેશોમાં કર માળખું, નિયમો હળવા હોવાથી ત્યાંના ઉદ્યોગકારો ભારતના ઉદ્યોગકારોની સરખામણીએ વધુ ભાવ આપી અને નફાકારક જહાજાે પોતાને ત્યાં ખેંચી જતા હતા. હવે કેન્દ્ર સરકાર દ્વારા તત્કાળ અસરથી ૨.૫ ટકા શિપ પરની ઇમ્પોર્ટ કસ્ટમ્સ ડ્યૂટી હટાવવાના લેવામાં આવેલા ર્નિણયને કારણે મોટી રાહત અલંગની મળી છે.
વડાપ્રધાન મોદીએ શિપ રિસાયકલીંગ માટે જાેયેલું વિઝન આગળ વધશે- કોમલકાંત શર્મા
કેન્દ્ર સરકારના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા શિપ રિસાયકલીંગ ઉદ્યોગમાં અગ્રેસર લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્માએ જણાવ્યું હતું કે, આધુનીક ભારતના શ્વપ્નદ્રષ્ટા જે-તે સમયે અલંગ આવ્યા ત્યારે તેમણે વિસ્તૃત માહિતી મેળવી આ ઉદ્યોગ અને અલંગનો વિકાસ કેમ થઇ શકે તેનો ચિતાર મેળવ્યો હતો. સરકારે લીધેલો આ નિર્ણય શિપ રિસાયકલીંગ ઉદ્યોગ માટે પ્રોત્સાહક બની રહેશે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય માપદંડો સાથે શિપ રિસાયકલીંગ કાર્ય માટે આગેકુચ થઇ રહી છે ત્યારે કેન્દ્ર સરકારનું આ પગલું રાહતરૂપ જ નહીં પરંતુ પ્રોત્સાહન આપનારૂ છે.