કમુહર્તા ઉતરે અભયભાઇ હોદ્દો ગ્રહણ કરશે, હાલ તેઓ સિક્કિમ અને નાથુલ્લાના પ્રવાસે છે : પ્રમુખ પદે વરણી થતાં અભિનંદનની થઈ રહેલી વર્ષા
ભાવનગર,તા.૩
ભાવનગર શહેર ભાજપ પ્રમુખ સમેત સંગઠનના વિસર્જન બાદ નવા સુકાની તરીકે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અભ્યસિંહ ચૌહાણની નિમણૂક થઈ છે, જેઓ હવે સંભવત છઠ્ઠી તારીખ પછી કમુહર્તા ઉતરે હોદ્દો સંભાળશે, હાલ તેઓ સિક્કિમ અને નાથુલ્લાના પ્રવાસે છે. અભયભાઈનો શાસન અને સંગઠનનો બહોળો અનુભવ શહેર ભાજપ સંગઠનના સુચારુ રીતે ચલાવવામાં ઉપયોગી નીવડશે. તેઓ કડકાઈ અને સ્પષ્ટ વક્તા માટે જાણીતા છે, ત્યારે તેમની નિમણૂકથી સંગઠનનો પ્રભાવ વધશે તેવું ગણિત મંડાઈ રહ્યું છે.
અભયસિંહ ચૌહાણની રાજકીય કારકિર્દી પર એક નજર કરીએ તો વર્ષ ૧૯૯૨માં કાર્યકર્ત તરીકે ભાજપમાં જાેડાયા હતા બાદ તેઓ ત્રણ વખત એક જ વોર્ડમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડ્યા છે અને ત્રણ વખત સફળ રહ્યા છે તો ૩ વખત સ્ટેન્ડિંગ ચેરમેનનું પદ પણ તેમણે સંભાળ્યું છે. ઘોઘા સર્કલ વોર્ડમાં સૌથી વધુ લીડ સાથે જીતવાનો રેકોર્ડ તેમના નામે છે, ચિત્રા માર્કેટ યાર્ડમાં તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટર, ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી, ઉપાધ્યક્ષ, વિસ્તરક તેમજ રાજ્ય બહાર મહારાષ્ટ્ર વારાણસી મહારાજગંજ અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી ચૂક્યા છે, છેલ્લે જામનગર સંગઠનના પ્રભારી તરીકે વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યા પરિણામો મેળવ્યા હતા. આમ, મહાપાલિકામાં શાસક તરીકે તથા ભાજપ સંગઠન ક્ષેત્રમાં જુદી જુદી જવાબદારીના કારણે બંને ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે જેનો લાભ સંગઠનને સુચારુ રીતે ચલાવવામાં ચોક્કસ મળશે.