આ ઘટના બલૂચિસ્તાન પ્રાંતના બોલાન શહેરમાં બની હતી. માર્યા ગયેલા જવાન બલુચિસ્તાન કોન્સ્ટેબલરીના હતા. ઘટનામાં 10થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે કેમ્બ્રી બ્રિજ પર બલૂચિસ્તાન કોન્સ્ટેબલરીના વાહનને એક મોટરસાઇકલે ટક્કર મારી હતી.
વાહનમાં સવાર સુરક્ષા કર્મચારીઓ રવિવારે પૂરા થયેલા સિબી મેળામાં ફરજ બજાવીને સિબીથી ક્વેટા પરત ફરી રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાહન પર આત્મઘાતી હુમલાની શક્યતાને નકારી શકાય નહીં.
બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાન મીર અબ્દુલ કુદૌસ બિઝેન્જોએ સુરક્ષા કર્મચારીઓના વાહન પર થયેલા બોમ્બ વિસ્ફોટની નિંદા કરી છે અને તેને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે, તેમણે મૃતકો અને ઘાયલોના પરિવારો પ્રત્યે દિલથી દુઃખ અને સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે અશાંતિ અને અસ્થિરતા પેદા કરીને બલૂચિસ્તાનને પછાત રાખવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આવા તમામ ષડયંત્રોને જનતાના સહકારથી નિષ્ફળ બનાવવામાં આવશે.
પાકિસ્તાનમાં પાછલા કેટલાક દિવસોમાં સુરક્ષા દળોને નિશાન બનાવીને અનેક હુમલા કરવામાં આવ્યા છે. તાજેતરના હુમલા માટે કોણ જવાબદાર છે તે સ્પષ્ટ નથી.