ભાવનગર, તા.૧૧
ભાવનગર મહાપાલિકાના કાર્યદક્ષ કમિશનર એન.વી. ઉપાધ્યાયએ છેલ્લા બે મહિનાથી ઓપરેશન દબાણ હટાવ, સ્વચ્છતા તથા પ્રતિબંધિત પ્લાસ્ટીક મુદ્દે અભિયાન છેડ્યું છે અને વહેલી સવારે રાઉન્ડમાં નીકળી પડી આ અંગે કડક અને પરિણામલક્ષી કામગીરી કરાવી રહ્યા છે. છેલ્લા આઠેક દિવસના વિરામ બાદ આજે કમિશનર ઉપાધ્યાય વહેલી સવારે ૫.૩૦ વાગ્યાથી ફરી શહેરના અલગ અલગ વિસ્તારમાં રાઉન્ડમાં નીકળી પડ્યા હતાં અને બપોર સુધીમાં ૨૭૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝડપી પાડ્યું હતું. જ્યારે રીંગરોડ પરથી દબાણો હટાવરાવ્યા હતાં. આ ઉપરાંત ફ્રુટ માર્કેટમાં સાત દુકાનો સીલ કરી હતી.

કમિશનર ઉપાધ્યાયે શહેરના તરસમીયામાં આજે સવારે ચેકીંગ હાથ ધરી જુદા જુદા સ્થળેથી ૨૨૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે શહેરના નવાપરામાં રાજેશ્વરી સ્વીટ્સમાંથી પણ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ૨૫ કિલોનો જથ્થો મળી આવેલ. આ ઉપરાંત અન્ય સ્થળોએથી છુટક છુટક મળી વધુ ૨૫ કિલો જથ્થો ઝડપાયેલ જે તમામ પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત લઇ દંડનીય કાર્યવાહી કરી હતી.

જ્યારે શહેરની ફ્રુટ માર્કેટમાં ચેકીંગમાં નીકળતા કમિશનરને જાઇને દુકાનદારોએ બહાર રાખેલ માલ-સામાન ફટાફટ અંદર ભરી દઇ દુકાનને બંધ કરીને જતા રહેલ. આવું અગાઉ પણ થયું હોવાથી આજે કમિશનરે સાત દુકાનને સીલ મરાવ્યા હતા. દુકાનના સીલ ખોલવા પ્રત્યેક વેપારી પાસેથી રૂ.૫-૫ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.

એમ.જી. રોડ પર મશહુર જ્યુશવાળા ખાંચામાં બુટ-ચપ્પલના વેપારીઓ ગેરકાયદે રીતે માલ-સામાન રાખી વેપાર કરતા હોય અગાઉ પણ તાકીદ કરી હતી. આજે કમિશનરના રાઉન્ડ દરમિયાન ફરી આ બાબત ધ્યાને આવતા પાંચ વેપારીને રૂ.૫-૫ હજાર દંડ વસુલાયો હતો. જ્યારે અકવાડામાંથી ત્રણ કેબીન, રીંગરોડ પર સાત સ્થળો પરથી પતરાના શેડ, ટેબલ-ખુરશી, કાઉન્ટર જેવી વસ્તુઓ જપ્ત લેવાયેલ. પીરછલ્લા શેરીમાં વૃંદાવન શોપીંગ સેન્ટરના ખુણે ભાડા પર ચાલતી ત્રણ લારીઓ જપ્ત કરાયેલ જેનો રૂ.૫-૫ હજાર દંડ વસુલ્યો હતો. તો શાક માર્કેટ અને કોર્પોરેશનના પાર્કીંગ પાસેથી ગેરકાયદે ઉભી રહેતી લારીઓ જપ્ત કરી હતી. આ સાથે કેટલાક પાથરણાવાળાના કેરેટ પણ કબ્જે લીધેલ. બપોરે ૧ વાગ્યે પણ કમિશનર હજુ બજારમાં ચેકીંગમાં જ જાવા મળેલ.




