રાજ્યભરમાં ચર્ચા જગાવનારા ભાવનગર ડમી કાંડ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર એક વાયરલ સ્ટિંગ ઓપરેશનમાં ગંભીર આરોપો લગાવાયા હતા આ સહિતના તમામ મુદ્દે પુછપરછ માટે ભાવનગર એસઓજી પોલીસે યુવરાજસિંહ જાડેજાની દિવસભર પુછપરછ કરી હતી. લાંબી પુછતાછ બાદ રાત્રે ભાવનગર પોલીસે યુવારસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.
ચકચારી ડમી ઉમેદવાર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે હવે ભાવનગર પોલીસ દ્વારા ખંડણી અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ અને તેમના માણસો સામે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે. પોલીસે યુવરાજસિંહ સામે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. પ્રેસને માહિતી આપતા રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપે છે.
પોલીસે યુવરાજસિંહ જાડેજા,શિવુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામનો વ્યકિત સામે ગુનો નોંધ્યો છે. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે કહ્યું હતું કે, યુવરાજસિંહ અને અન્ય લોકો સામે IPC 386, 388 અને 120 B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે, આજે યુવરાજસિંહને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેઓ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. યુવરાજસિંહ સામે સાંયોગિત પુરાવા, CCTV, ગુપ્ત ચેટ અને અન્ય પુરાવાઓ મળ્યા હોવાની વાત રેન્જ આઈજીએ કરી હતી. રેન્જ આઈજીએ કહ્યું હતું કે, યુવરાજસિંહે આજે પૂછપરછ દરમિયાન વધુ 22 નામો આપ્યા છે. તેઓને પૂછપરછ માટે બોલાવી તપાસ કરાશે. જીતુ વાઘાણી અને આસિત વોરાના નામો અંગે કહ્યું હતું કે, યુવરાજસિંહ દ્વારા તપાસનીશ અધિકારી સમક્ષ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં ભાવનગર પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ગુરુવારે વધુ છ આરોપીને ઝડપી પાડ્યા હતા. જે આરોપીઓ ઝડપાયા છે એ પૈકીનો એક આરોપી હાલ શિક્ષક તરીકે અને બે આરોપી હેલ્થવર્કર તરીકે સરકારી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. ડમીકાંડમાં ઝડપાયેલા આરોપીઓનો કુલ આંક 14 પર પહોંચ્યો છે. ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ દ્વારા 14 એપ્રિલે 36 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ તપાસ દરમિયાન વધુ ચાર આરોપીનાં નામ ખૂલ્યાં હતાં. પોલીસ અત્યારસુધીમાં કુલ 14 આરોપીઓને ઝડપી ચૂકી છે. હજી પણ આ મામલે 26 આરોપીને ઝડપવાના બાકી છે. ડીવાયએસપી સિંઘાલે કહ્યું હતું કે અમે કેટલાક આરોપીઓને બોલાવી પૂછપરછ કરી રહ્યા છે, તેમની સામે પુરાવા મળતાં ધરપકડ કરવામાં આવશે.
ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ મામલાની તપાસ માટે 19 અધિકારી અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જેમાં 1 પીઆઈ, 8 પીએસઆઈ, LCB,SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડના માણસો સાથેની એક ટીમ રચવામાં આવી છે, જે ડમી કાંડ મામલે તપાસ કરી રહી છે.