જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ગુરુવારે આર્મીની ટ્રક પર આતંકી હુમલો થયો હતો. જેમાં 5 જવાન શહીદ થયા હતા. હવે આ માહિતી સામે આવી છે કે જ્યારે આ ઘાતકી હુમલો કરવામાં આવ્યો ત્યારે આ સેનાના જવાનો પૂંછના એક ગામમાં યોજાનારી ઈફ્તાર પાર્ટી માટે ટ્રકમાં ફળો અને અન્ય વસ્તુઓ લઈ જઈ રહ્યા હતા. આ ઈફ્તાર પાર્ટીમાં ઉપવાસીઓની સાથે તે ગામના પંચ અને સરપંચને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એક અહેવાલ મુજબ રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના જવાનોએ 20 એપ્રિલની સાંજે સાંગોટ વિસ્તારમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. સેના જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ આવી ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરતી રહે છે. આ ઘટનાને લઈને આતંકીઓ ગુસ્સામાં હતા. એવા પણ અહેવાલ છે કે આતંકવાદીઓએ ઈફ્તાર પાર્ટીથી નારાજ થઈને જ આ હુમલાની યોજના બનાવી હતી.
ઈફ્તાર પાર્ટી મનાવવા જઈ રહેલા જવાનો પર થયેલા હુમલાથી ગામના લોકો ખૂબ જ દુઃખી છે. જવાનોના મોતના શોકમાં જોડાતા ગામના લોકોએ આ વખતે ઈદ મનાવવાનો ઈન્કાર કરી દીધો છે. વાસ્તવમાં આતંકવાદીઓને સૌથી મોટો ડર એ છે કે લોકો સેનાને પોતાનો મિત્ર ન ગણે. જો આવું થાય તો તેઓ લોકોને ઉશ્કેરી શકશે નહીં.આ જ કારણ છે કે આતંકવાદીઓને સેના સાથે લોકોનું જોડાણ પસંદ નથી. સેના સાથે વાતચીત કરનારા લોકોને આતંકવાદીઓ શંકાની નજરે જુએ છે. સાંગોટમાં યોજાનારી ઈફ્તાર પાર્ટીની માહિતી મળતાં જ આતંકીઓએ હુમલાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે સેનાની ટ્રક ઈફ્તારની સામાન લઈને કેમ્પમાં પરત ફરી રહી હતી ત્યારે ઓચિંતો હુમલો કરવા બેઠેલા આતંકવાદીઓએ વાહનને નિશાન બનાવ્યું હતું. પહેલા ગોળીઓ ચલાવવામાં આવી પછી આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો.





