65 ટકા ક્વોટાના નિયમ હેઠળ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ વર્મા સહિત 68 ન્યાયિક અધિકારીઓના પ્રમોશનને પડકાર આપતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હરીશ હસમુખભાઈ વર્મા દ્વારા માનહાનિના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ સમાપ્ત થઈ ગયું હતું. એવામાં હવે ગુજરાતના સિનિયર સિવિલ જજ કેડરના બે ન્યાયિક અધિકારીઓએ હરીશ હસમુખભાઈ વર્મા સહિત આ 68 ન્યાયિક અધિકારીઓના પ્રમોશનને પડકાર આપ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, ગુજરાત સરકારના કાયદાકીય વિભાગમાં અન્ડર સેક્રેટરી રવિકુમાર મહેતા અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના આસિસ્ટન્ટ ડિરેક્ટર સચિન પ્રતાપરાય મહેતાએ 68 ન્યાયિક અધિકારીઓની પસંદગીને પડકારતી અરજી દાખલ કરી છે. 28 માર્ચે દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટને આ નિમણૂંકો રદ કરવાની અપીલ કરવામાં આવી છે. અરજદારો તરફથી હાજર રહેલા વકીલે 10 માર્ચે હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલ પસંદગી યાદી અને રાજ્ય સરકાર દ્વારા તેમની નિમણૂકની સૂચનાને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશની માંગ કરી હતી.



