Google CEO Sundar Pichai: વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ (Google CEO Sundar Pichai) નું ચેન્નાઈ સ્થિત ઘર વેચાઈ ગયું છે. સુંદર પિચાઈએ તેમનું બાળપણ આ ઘરમાં વિતાવ્યું હતું અને આ તેમનું પૈતૃક ઘર હતું. આ ઘરની ડીલ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેને તમિલ અભિનેતા અને નિર્માતા સી મણિકંદન (C Manikandan) એ ખરીદ્યું છે.
ચેન્નાઈમાં સ્થિત છે આ ઘર
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનું આ ઘર ચેન્નાઈના અશોક નગરમાં આવેલું છે. આ ઘર ખરીદ્યા પછી ધ હિન્દુ સાથે વાત કરતા અભિનેતા સી મણિકંદને જણાવ્યું હતું કે, સુંદર પિચાઈએ સમગ્ર વિશ્વમાં આપણા દેશનું નામ રોશન કર્યું છે. આ ઘરમાં રહીને તેણે જીવનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. આવી સ્થિતિમાં હું આ ઘર ખરીદીને ખૂબ જ ગર્વ અનુભવું છું. ઉલ્લેખનીય છે કે, આ ઘર ચેન્નાઈના અશોક નગરમાં આવેલું છે. મણિકંદને એ પણ માહિતી આપી કે તેણે આ ઘર ખરીદવા માટે આખા ચાર મહિના રાહ જોઈ છે. સુંદર પિચાઈના પિતા રઘુનાથ પિચાઈ ઘરના દસ્તાવેજો સોંપતી વખતે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.
સુંદર પિચાઈના પિતાએ કલાકો સુધી રાહ જોઈ
સી મણિકંદને જણાવ્યું હતું કે, સુંદર પિચાઈના પિતાએ ઘરના દસ્તાવેજો સોંપતા પહેલા ઘરનો સંપૂર્ણ ટેક્સ જમા કરાવ્યો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, તેઓ ખૂબ જ નમ્ર વ્યક્તિ છે, તેમણે ઘરના દસ્તાવેજો ટ્રાન્સફર કરવા માટે કલાકો સુધી રાહ જોઈ હતી. આટલું મોટું વ્યક્તિત્વ હોવા છતાં, તેમણે તેમના પુત્રની પોસ્ટનો ક્યાંય ઉપયોગ કર્યો નથી અને આખી પ્રક્રિયા કર્યા પછી જ ત્યાંથી નીકળી ગયા હતા. મણિકંદન એક અભિનેતા હોવાની સાથે સાથે રિયલ એસ્ટેટ ડેવલપર પણ છે જે આ ઘરની જગ્યાએ બહુમાળી બિલ્ડીંગ બનાવવાના છે. આ કામ આગામી 1.5 થી 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
સુંદર પિચાઈની વાર્ષિક સેલેરી કેટલી ?
વિશ્વના અગ્રણી સર્ચ એન્જિન ગૂગલની સાથે સુંદર પિચાઈ આલ્ફાબેટ ઇન્કના સીઈઓ પણ છે. તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે કુલ 10,810 કરોડ રૂપિયા છે. તેમને ગૂગલ તરફથી દર વર્ષે 1880 કરોડ રૂપિયાનું પેકેજ મળી રહ્યું છે. તેમને કંપની તરફથી બેઝ સેલરી તરીકે 15 કરોડ રૂપિયા મળી રહ્યા છે. સાથે જ તેમને 1865 કરોડ રૂપિયાના શેર આપવામાં આવ્યા છે.






