ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. આજે CNGના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જેથી હવે નાગરિકોના ખિસ્સા પર બોજ પણ વધશે.
જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વચ્ચે હવે અદાણીના CNGના ભાવમાં ફરી વધારો કરાયો છે. ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર CNG ગેસના ભાવમાં વધારો થયો છે. અદાણી CNGના ભાવમાં 80 પૈસાનો વધારો થયો છે. હવે વાહનચાલકોએ અદાણી ગેસના CNG માટે 75.09 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે.
આ વધેલા ભાવ આજથી અમલી થઈ ચૂક્યા છે. અગાઉ અમદાવાદામાં CNGનો ભાવ 74.29 રૂપિયા હતો. મહત્વનું છે કે 2 મહિના પહેલા કેન્દ્ર સરકારે CNG ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભારત સરકારના નિર્ણય બાદ અદાણી ગેસે CNGમાં 6થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ગત એપ્રિલ મહિનામાં ગેસના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ CNG અને PNGના ભાવમાં ઘટાડો થયો હતો.
પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર
ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે દેશના મહાનગરો સહિત મોટાભાગના રાજ્યોમાં ઈંધણના ભાવ સ્થિર છે. આજે ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.63 રુપિયા પ્રતિ લિટર, અમદાવાદમાં 96.41 રુપિયા પ્રતિ લિટર, રાજકોટમાં 96.17 રુપિયા પ્રતિ લિટર, સુરતમાં 96.27 રુપિયા પ્રતિ લિટર અને વડોદરામાં 96.07 રુપિયા પ્રતિ લિટર છે.