ઉપધીને અવસરમાં ફેરવતા સ્થાનિકો: મન:શાંતિ માટે હસ્તકલા-આફત ટાણે આજીવિકાનો અવસર જસદણના શેલ્ટર હોમમાં હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવતા અસરગ્રસ્તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બીપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતરિત કરાયેલા લોકો પોતાનું મન શાંત રાખવા અને આજીવિકા માટે આફત ટાણે હસ્તકલાની સહારો લઈ રહ્યા છે. જસદણના શેલ્ટર હોમમાં કામચલાઉ આશ્રય લીધેલા સ્થાનિક નાગરિકો વાવાઝોડાથી ગભરાવાને બદલે મન:શાંતિ માટે પોતાની રોજીંદી હસ્તકલાનો આશરો લઈ રહ્યા છે આ અંગેની વિગતો આપતા જસદણના મામલતદારશ્રી સંજયસિંહ અશ્વારે જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાને પગલે જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે અસરગ્રસ્તોને આશરો આપવામાં આવ્યો છે. આ નાગરિકો જસદણની વિખ્યાત હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવવાનો કાચો માલ/સામાન પોતાની સાથે લાવ્યા છે અને પારંપરિક રીતે જસદણની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવી રહ્યા છે. જ્વેલરી બોક્સ, ઓકઝીડાઈઝ કરેલી ભગવાનની મૂર્તિઓ, સુશોભનની વસ્તુઓ, ભરત ગુંથણ તથા વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ્સ બનાવીને આ નાગરિકોએ ઓચિંતી આવી પડેલી આફતને આજીવિકાનો અવસર બનાવ્યો છે. રોજિંદો ઘટનાક્રમ જળવાતો હોવાને લીધે આ નાગરિકો શેલ્ટર હોમમાં પણ આનંદથી પોતાના દિવૂ પસાર કરી રહ્યા છે અને અન્યો માટે નમૂનારૂપ દ્રષ્ટાંત સ્થાપિત કરી રહ્યા છે.






