ટ્વિટરના કો-ફાઉન્ડર અને ભૂતપૂર્વ CEO જેક ડોર્સીએ તાજેતરમાં ભારત સહિત વિશ્વની અન્ય સરકારો પર દબાણ કરવાના આરોપ લગાવ્યા હતા. આજે, કંપનીના વડા એલન મસ્કએ આ વિશે ખુલીને વાત કરી છે. મીડિયા સાથે વાત કરતા મસ્કે કહ્યું કે ટ્વિટર પાસે સ્થાનિક સરકારોની વાત માનવા સિવાય કોઈ વિકલ્પ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસના પહેલા દિવસે ન્યૂયોર્કમાં એલન મસ્કને મળ્યા હતા. વડાપ્રધાનને મળ્યા બાદ એલન મસ્કે તેમના દિલ ખોલીને વખાણ કર્યા. પ્રેસ સાથે વાત કરતાં મસ્કે કહ્યું, ‘હું પીએમ મોદીનો પ્રશંસક છું.’ મસ્કે એ પણ જણાવ્યું કે તેઓ આવતા વર્ષે ભારત આવશે.
મીડિયા સાથેની વાતચીતમાં મસ્કે સ્પષ્ટ કહ્યું કે તે અમેરિકાના નિયમોને આખી પૃથ્વી પર લાગુ કરી શકે નહીં. જો આપણે સ્થાનિક સરકારના કાયદાઓનું પાલન નહીં કરીએ, તો આપણે બંધ થઈ જઈશું. આ માટે શ્રેષ્ઠ ઉપાય એ છે કે આપણે કોઈપણ દેશમાં કાયદા અનુસાર જ કામ કરીએ. આનાથી વધુ કંઈપણ કરવું આપણા માટે અશક્ય છે. અમે અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રદાન કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. પરંતુ તે સ્થાનિક કાયદાના દાયરામાં હોવું જોઈએ.
જેક ડોર્સીએ આક્ષેપો કર્યા હતા
તમને જણાવી દઈએ કે હાલમાં જ ટ્વિટરના સહ-સ્થાપક અને પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ ભારત સરકાર પર આરોપો લગાવ્યા હતા. જેક ડોર્સીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે ખેડૂત આંદોલન દરમિયાન ટ્વિટર પર દબાણ કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે સરકાર દ્વારા ટ્વિટરને ઘણી વખત “રિકવેસ્ટ” કરવામાં આવી હતી કે જેઓ આંદોલનને કવર કરી રહ્યા છે અને આ મુદ્દા પર સરકારની ટીકા કરી રહ્યા છે તેવા ટ્વિટર એકાઉન્ટ્સ બંધ કરી દેવામાં આવે. સરકારે કથિત રીત ધમકી આપી હતી કે એ આવું ન કરવા પર તેઓ ભારતમાં ટ્વિટર બંધ કરી દેશે અને કર્મચારીઓના ઘરો પર દરોડા પાડશે.
મસ્ક આવતા વર્ષે ભારત આવશે
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પછી તેમણે મીડિયાને સંબોધતા કહ્યું કે કંપની નજીકના ભવિષ્યમાં ભારતમાં રોકાણ કરશે. વડાપ્રધાનને મળ્યા બાદ એલન મસ્કે તેમના દિલ ખોલીને વખાણ કર્યા હતા. પ્રેસ સાથે વાત કરતાં મસ્કે કહ્યું, ‘હું પીએમ મોદીનો પ્રશંસક છું.’ તેમણે કહ્યું કે ભારતમાં વિશ્વના કોઈપણ મોટા દેશ કરતાં વધુ સંભાવનાઓ છે. તેથી જ હું ભારતના ભવિષ્યને લઈને અતિ ઉત્સાહિત છું. મસ્કે એ પણ જણાવ્યું કે તેઓ આવતા વર્ષે ભારત આવશે.