અમદાવાદ એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ 33 કરોડનું કોકેઈન ઝડપી પાડયું છે. સાથે એક વિદેશી નાગરિકની પણ ધરપકડ કરી છે.
DRI અધિકારીઓએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે બ્રાઝિલિયન નાગરિકને અટકાવ્યો હતો. વિઝા પર સાઉ પાઉલો એરપોર્ટથી બ્રાઝિલનો નાગરિક અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરી રહ્યો હતો. તેની પાસે કોકેઈન હોવાની ડીઆરઆઈને માહિતી મળી હતી. પરિણામે પેસેન્જરની ટ્રોલી અને કેબિન બેગની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. જેમાં ડીઆરઆઈએ બ્લેક કોકેઈનની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
ફોરેન્સિક સાયન્સ લેબ અધિકારીઓની ટીમ દ્વારા વિશિષ્ટ ફિલ્ડ-ટેસ્ટિંગ કીટ સાથે સામગ્રીની તપાસ કરવામાં આવી હતી. જેમાં કોકેઈનની હાજરી જોવા મળી હતી. તદનુસાર, NDPS એક્ટ 1985ની જોગવાઈઓ હેઠળ 3.22 કિલો કોકેઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 33 કરોડ રૂપિયા થાય છે. મુસાફરે કોકેઈનની દાણચોરીમાં તેની સક્રિય ભૂમિકા સ્વીકારી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
ડીઆરઆઈ દ્વારા બ્લેક કોકેઈન જપ્ત કરવાનો આ પ્રથમ કિસ્સો
બ્લેક કોકેઈનએ એક ડિઝાઇનર ડ્રગ છે જેમાં કોકેઇનને ચારકોલ અને અન્ય રસાયણો સાથે મિશ્રિત કરવામાં આવે છે જેથી તેને છૂપાવવા માટે કાળો રબરનો દેખાવ મળે અને કેનાઇન્સ અને ફિલ્ડ-ટેસ્ટિંગ કીટ દ્વારા તપાસ કરવામાં આવતા ન પકડાય. કોકેઈનની દાણચોરી કરવાની આ મોડસ ઓપરેન્ડી અનોખી છે અને ડીઆરઆઈ દ્વારા બ્લેક કોકેઈન જપ્ત કરવાનો આ પ્રથમ કિસ્સો છે.