PM મોદી તેમનો યુએસ પ્રવાસ પૂરો કર્યા બાદ આજે વોશિંગ્ટનથી ઈજિપ્ત જવા રવાના થશે. વડાપ્રધાન ઇજિપ્તની બે દિવસીય સરકારી મુલાકાતે જશે. કાહીરામાં ભારતના રાજદૂત અજીત ગુપ્તેએ કહ્યું કે, ભારત અને ઇજિપ્ત બે સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે અને અમારા સંબંધો ચાર હજાર વર્ષથી વધુ જૂના છે. તેમણે કહ્યું કે, અમારી પાસે સદીઓથી દરિયાઈ સંબંધ છે અને તાજેતરના વર્ષોમાં ખાસ કરીને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી અને વડાપ્રધાન મોદી સત્તામાં આવ્યા પછી સંબંધો વધુ મજબૂત બન્યા છે.
ભારતીય રાજદૂતે જણાવ્યું હતું કે, ઇજિપ્તમાં દરેક વ્યક્તિ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત છે અને તેઓ દાયકાઓથી બોલિવૂડ ફિલ્મો જોતા આવ્યા છે. તેમણે કહ્યું, તેઓ જાણે છે કે, ભારત અને ઇજિપ્તે બિન-જોડાણવાદી આંદોલન માટે સાથે મળીને કામ કર્યું હતું. તેઓ હજુ પણ મહાત્મા ગાંધી અને સાદ જગલૌલ વચ્ચેની ગાઢ મિત્રતાને યાદ કરે છે. ગુપ્તેએ કહ્યું કે, ઇજિપ્તના લોકો ભારતની નજીક રહેવા માંગે છે. તેઓ આપણી સંસ્કૃતિ અને આપણા પારિવારિક મૂલ્યો સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે.
આ સાથે તેમણે વડાપ્રધાન મોદી ઇજિપ્ત આવી રહ્યા છે. તે 25મી સુધી અહીં છે. અમે પહેલીવાર વડાપ્રધાન મોદી અને ઈજિપ્તના વડાપ્રધાન વચ્ચે ગોળમેજી બેઠક કરી રહ્યા છીએ. જાન્યુઆરી 2023માં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીની ભારતની સફળ મુલાકાત બાદ બંને દેશો સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવા સંમત થયા હતા. તેમના પરત ફર્યા પછી ઇજિપ્તના રાષ્ટ્રપતિએ તેમની કેબિનેટમાં વરિષ્ઠ પ્રધાનોનો સમાવેશ કરીને એક વિશેષ ભારતીય એકમની રચના કરી અને તેમને ભારત સાથેના સંબંધો સુધારવા માટે કહ્યું. એટલા માટે વડાપ્રધાન ભારતીય એકમ સાથે બેઠક કરશે.





