રાજકોટ :
સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમઆભમાંથી છપ્પર ફાડકે જલવર્ષા થતા ઠેરઠેર જળબંબાકાર સર્જાયો હતો.રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાત્રિ સુધીમાં વિસાવદરમાં ૧૭ ઈંચ અને જંગલ વિસ્તારમાં તો તેથી વધુ વરસાદ વરસ્યો હતો. જામનગર અને જોડિયામાં ધોધમાર 12 ઈંચ, ભેંસાણમાં ૧૦ ઈંચ, જુનાગઢમાં ૯ ઈંચ તથા વડિયા, જોડિયા,આમરણ ચાવીસી વિસ્તારમાં છ-છ ઈંચ, જુનાગઢ, જામનગર, રાજકોટ,સોમનાથ, અમરેલી, જિલ્લાઓમાં અન્યત્ર ત્રણથી પાંચ ઈંચ વરસાદથી સૌરાષ્ટ્ર જળતરબોળ થઈ ગયું છે. જામનગરમાં પાણીમાં ડુબી જતા પાંચ તથા લાઠી અને જસદણ સહિત ૭ વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે.
જામનગરમાં ૧૦થી ૧૨ બે કલાકમાં જ ૫ ઈંચ સહિત સવારે ૬થી રાત્રે ૮ સુધીમાં ૯ ઈંચ સહિત કૂલ ૧૧ ઈંચ વરસાદથી જનજીવન ખાંરવાયું હતું. જામનગરમાં રહેતા આસિફ બચુભાઈ સેતા (ઉ.૩૬) પોતાના ૧૩ વર્ષના પુત્ર નવાજ સાથે રણજીતસાગર ડેમે પાળા નજીક ઉતરીને સેલ્ફી લેતા હતા ત્યારે પાણીમાં ગરક થતા બન્નેના મોત નીપજ્યા હતા. જ્યારે ગુલાબનગરમાં નવ નાલા પાસે બે પાળકા પાણીમાં ન્હાવા પડયા ત્યારે ધસમસતા પૂરમાં તણાયા હતા જેમાં યશ વિજયભાઈ પરમાર (ઉ.૧૩)નો મૃતદેહ મહામહેનતે મળી આવ્યો હતો અને બીજા લાપત્તા બાળકની શોધખોળ રાત્રિ સુધી ચાલી હતી. આ ઉપરાંત જામનગરમાં અતિ ભારે વરસાદથી ધુવાવ હાઉસીંગ બોર્ડ કોલોનીના મકાનમાં પાણી ભરાઈ જતા ત્રણ વર્ષની નેહા ગોદળીયા નામની બાળકી ખાડામાં પડતા મોત નીપજ્યું હતું અને ગોદળિયા બાવાજી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. હાલાર પંથકને પ્રથમ વરસાદે જ મેઘરાજાએ જળબંબોળ કરી દીધો હતો. જામનગરમાં ગત રાત્રિથી જ મુશળધાર વરસાદ શરુ થઈ જતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના જીવ ઉચ્ચક થઈ ગયા હતા. જોડિયામાં ગત રાત્રિના ૧૦ વાગ્યાથી આજે સાંજ સુધીમાં જ ધોધમાર ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો હતો અને ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું. જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લામાં પણ ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ધ્રોલ પંથકમાં ચાર ઈંચ, કાલાવડમાં સાડાત્રણ ઈંચ સહિત સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.