રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે સવારથી જ જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને કચ્છ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. કચ્છના ભુજ અને નખત્રાણા વહેલી સવારથી જ વરસાદ ખાબકતા માર્ગો પર વરસાદી પાણી વહી નીકળ્યાં હતા. આજે સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દ્વારકા, લાઠી, કલ્યાણપુર અને ગીર ગઢડામાં પણ એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લાના ભુજમાં આજે વહેલી સવાર એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેથી માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતા. નખત્રણામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
લખપત તાલુકાના રોડાસર- પીપર માર્ગ પરની નદીમાં વરસાદના પાણી વહી નીકળતા માર્ગ બંધ થયો હતો. ભુજમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસતા મોટાબંધમાં પાણીની આવક શરૂ થઈ છે. જેથી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. જેને નિહાળવા ભુજ વાસીઓ ઉમટ્યા હતા.