થ્રેડ્સ એપને લઈને Instagram CEO એડમ મોસેરી દ્વારા આપવામાં આવેલ તાજેતરનું નિવેદન ચર્ચામાં છે. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં એડમ મોસેરીએ જણાવ્યું કે, તેમની લેટેસ્ટ સોશિયલ મીડિયા એપ થ્રેડ્સ ખાસ કરીને સમાચાર અને રાજકારણથી દૂર રહેવા માટે બનાવવામાં આવી છે. મોસેરીના જણાવ્યા અનુસાર, આવી સામગ્રીનો સમાવેશ તેની સ્કૂનિટી, નકારાત્મકતા અને એપ્લિકેશનની અખંડિતતાને જોખમમાં મૂકે છે. તેમના આ નિવેદનથી યુઝર્સ અને નિરીક્ષકો વચ્ચે નવી ચર્ચા શરૂ થઈ છે.
મનોરંજન પર ધ્યાન આપવામાં આવશે
Instagram CEOના જણાવ્યા અનુસાર, થ્રેડ્સ એપ કોઈપણ રીતે રાજકારણ અને હાર્ડ ન્યૂઝને સમર્થન કે પ્રાથમિકતા આપશે નહીં. મોસેરી ભારપૂર્વક જણાવે છે કે Instagram પાસે પહેલાથી જ રમતગમત, સંગીત, ફેશન, સૌંદર્ય અને મનોરંજન પર કેન્દ્રિત સમુદાયો છે, જેને રાજકીય અથવા સમાચાર-સંબંધિત સામગ્રી સાથે જોડાવવાની જરૂર નથી. મોસેરી અગાઉ ફેસબુકના ન્યૂઝ ફીડનું નિરીક્ષણ કરતા હતા. શક્ય છે કે તેમનું આ વલણ ત્યાંથી જ ઉદ્ભવ્યું હોય. મોસેરીનું ધ્યાન યુઝર્સને અન્ય રુચિઓ અને સકારાત્મક અનુભવ પ્રદાન કરવા પર છે, જે થ્રેડને રાજકારણ અને હાર્ડ ન્યૂઝથી દૂર રાખે છે.
ન્યૂઝ અને પોલિટિક્સથી મેટાની દૂરી
તાજેતરમાં, ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ સમાચાર અને રાજકારણથી પોતાને દૂર રાખવા તેમ જ વિવાદાસ્પદ સામગ્રીને તેના પ્લેટફોર્મથી દૂર રાખવા માટે કેટલાક સુધારા કર્યા છે. આ સાથે કેનેડામાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરથી ન્યૂઝ કન્ટેન્ટ હટાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. એડમ મોસેરીએ થ્રેડ્સ અંગેના તેમના વલણની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, થ્રેડ્સ સમાચાર અને રાજકારણ સંબંધિત સામગ્રીને સક્રિયપણે ડાઉનગ્રેડ કરશે નહીં, પરંતુ આવી સામગ્રીને પ્રાથમિકતા આપવામાં આવશે નહીં.






