પ્રેસ્ટિજ ગ્રુપે ડીબી રિયલ્ટી ફર્મ પાસેથી રૂ. 704 કરોડમાં 2.3 એકર જમીન ખરીદી છે. આ જમીન મુંબઈમાં ખરીદવામાં આવી છે. કંપની દ્વારા અહીં ફ્લેટ બનાવવામાં આવશે. જાણકારોનું કહેવું છે કે જયારે આટલી મોટી કિંમતે જમીન ખરીદવામાં આવી છે ત્યારે તેના પર બનેલા ફ્લેટની કિંમત કરોડોમાં હોઈ શકે છે. રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ ફર્મ CRE મેટ્રિક્સ દ્વારા પૂરા પાડવામાં આવેલા નોંધણી દસ્તાવેજો અનુસાર, DB રિયલ્ટીની પેટાકંપનીએ જમીન પર રહેણાંક પ્રોજેક્ટ વિકસાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરવાનું બાકી હતું. કંપનીએ એડલવાઈસ એસેટ કન્સ્ટ્રક્શન, રેર એસેટ કન્સ્ટ્રક્શન અને એડલવાઈસ ફિનવેસ્ટ જેવા ધિરાણકર્તાઓ પાસેથી લોન લીધી હતી. આવી સ્થિતિમાં, કંપનીએ લોન ચૂકવવા અને તેની લોનને ઘટાડવા માટે જમીન વેચી દીધી છે. આ રીતે એકત્ર કરાયેલા રૂપિયાનો ઉપયોગ લોનની ચુકવણી માટે કરવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટમાં લગભગ 20 ફ્લેટ વેચવામાં આવ્યા હતા, પરંતુ ખરીદી રદ કરી દેવામાં આવી છે અને એકઠી કરેલી રકમ ફ્લેટ ધારકોને પરત કરી દવેમાં આવી છે. ડીબી રિયલ્ટીએ બેંક લોનની ચુકવણીમાં વિલંબ કર્યો છે. ગયા અઠવાડિયે એક્સ્ચેન્જને આપવામાં આવેલી જાણકારી મુજબ, કંપનીએ તેની કુલ બાકી લોન રૂ. 1,000 કરોડ જણાવી હતી.
ગયા મે મહિનામાં પ્રેસ્ટિજ એસ્ટેટ્સે મુંબઈમાં બે સંયુક્ત કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં DB રિયલ્ટીનો હિસ્સો રૂ. 1,176.5 કરોડમાં ખરીદ્યો હતો. આ પ્રોજેક્ટ્સ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને મહાલક્ષ્મીના વ્યાપારી જિલ્લામાં છે.
પ્રેસ્ટિજ એસ્ટેટ્સે 2021માં મુંબઈમાં એન્ટ્રી કરી હતી. FY23માં નોંધવમાં આવેલ રૂ. 13,000 કરોડના વેચાણમાંથી લગભગ 21 ટકાનું યોગદાન મુંબઈથી હતું. ગ્રૂપને આશા છે કે આગળ ચાલીને મુંબઈમાં વધુ વેચાણ થઈ શકે છે. આ કારણે પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પોતાના બે પ્રોજેક્ટ મુંબઈમાં લોન્ચ કરવા માટે આવી રહી છે. જેમાંથી મુલુંડમાં એક હાલના પ્રોજેક્ટનો આગળનો તબક્કો છે.