આજે સેન્સેક્સ 67,000ના મહત્વના સ્તરની નજીક પહોંચી ગયો છે અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલ્યો છે. મંગળવારે ખુલતાની સાથે જ શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 67 હજારની નજીક ખુલ્યો હતો, તો નિફ્ટી પણ લગભગ 60 પોઈન્ટના વધારા સાથે 19,750ને પાર કરી ગયો હતો.
આ જબરદસ્ત ઓપનિંગ સાથે સેન્સેક્સ અને નિફ્ટી બંને તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આજે જે શેરબજારમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી તેમાં બેન્કિંગ સેક્ટર મોખરે હતું. એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ, આઇસીઆઇસીઆઇ બેન્ક, વિપ્રો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર સવારે ઊંચું ખૂલ્યા હતા.
શેરબજારની આજની શરૂઆતે BSEનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 239.03 પોઈન્ટ અથવા 0.36 ટકાના વધારા સાથે 66,828.96 ના સ્તરે ખૂલ્યો હતો. જે તેની ઐતિહાસિક સર્વોચ્ચ સપાટી છે. આ સિવાય એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 76.05 પોઈન્ટ અથવા 0.39 ટકાના વધારા સાથે 19,787.50 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે. આ પણ તેનો નવો રેકોર્ડ છે.