ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને પગલે જિલ્લાના કેટલાક ગામનો સંપર્ક ખોરવાયો છે. સોનારિયા ગામમાં તો સૌથી ખરાબ સ્થિતિ છે. સોનારિયા ગામમાં કમર સુધી વરસાદી પાણી ભરાયા છે. અનારાધાર વરસાદે જિલ્લામાં તારાજી સર્જી છે.
ગીર સોમનાથ ભારે વરસાદને કારણે હિરણ નદીમાં પૂર આવ્યું છે. જેથી હિરણ નદીનું પાણી તાલાલા શહેરમાં ફરી વળ્યું છે. તાલાલા સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા છે. હોસ્પિટલમાં પાણી ઘૂસતા દર્દીઓની મુશ્કેલીઓમમાં વધારો થયો છે. હોસ્પિટલમાં વરસાદી પાણી ફરી વળતા ઓક્સિજન પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. તમામ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે સુત્રાપાડા કોડીનાર હાઇવે પણ બંધ થયો છે. સુત્રાપાડા અને વેરાવળને જોડતો મુખ્ય માર્ગ પણ બંધ થયો છે. તો વરસાદને કારણે પ્રાચી જવાનો રસ્તો બંધ થયો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે NDRFની એક ટીમ ગીર સોમનાથ મોકલાઈ છે. કચ્છ, નવસારી, વલસાડમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. સાથે જ અમરેલી, રાજકોટમાં પણ NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.





