શેરબજારમાં હાલ ટી+1 પ્રક્રિયા અમલમાં છે. અર્થાત કોઈપણ સોદાનું સેટલમેન્ટ બીજા ટ્રેડીંગ સેશનમાં થાય છે પરંતુ હવે સોદો કરતાની સાથે જ સેટલમેન્ટ થઈ જાય તેવી પ્રક્રિયા લાગુ પાડવા સેબી પ્રયત્ન કરી રહી છે.
સેબીનાં ચેરપર્સન માધવી પુરી બૂચે જણાવ્યું હતું કે, શેરબજારનાં સોદાઓનું ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તુર્તમાં તેને લાગુ કરવામાં આવશે આ સંજોગોમાં સેટલમેન્ટ સમય ઘટી જશે. શેરબજારમાં ટી+1 સેટલમેન્ટ સાયકલ અપાવનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ છે. કોઈપણ ઈન્વેસ્ટર શેરની ખરીદી કરે તો બીજા દિવસે તેમના ખાતામાં શેર આવી જશે.જયારે શેર વેચે તો બીજા દિવસે ખાતામાં નાણા આવી જાય છે.
સેબી વડાએ એવો દાવો કર્યો હતો કે ટી+1 સેટલમેન્ટ તથા આસ્બા સીસ્ટમથી ઈન્વેસ્ટરોને વાર્ષિક 3500 કરોડની બચત થઈ છે. મ્યુચ્યુઅલ ફંડના યુનિટનાં સેટલમેન્ટ પણ ઝડપથી થશે. સેબી માર્કેટ રેગ્યુલેશનનાં ડેવલપમેન્ટ પર ફોકસ કરી રહી છે. સાથોસાથ ઈન્વેસ્ટરોના હિતોની રક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.