શ્રીલંકાની સરકારે પણ ભારતીય રૂપિયાને આંતરરાષ્ટ્રીય મુદ્રા તરીકેની મંજૂરી આપી દીધી છે. હવે ભારત અને શ્રીલંકા વચ્ચે ભારતીય ચલણમાં વેપાર થઈ શકશે. એટલું જ નહીં, ભારતીય નાગરિક શ્રીલંકામાં પર્યટનની દૃષ્ટિએ પણ ભારતીય ચલણનો ઉપયોગ કરી શકશે.
શ્રીલંકા એવો પહેલો દેશ નથી જેણે આ રીતે ભારતીય મુદ્રાને પોતાને ત્યાં માન્યતા આપી છે. તેના પહેલાં પણ ઘણા દેશ ભારતીય રૂપિયાને આંતરરાષ્ટ્રીય માન્યતા આપી ચૂક્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે દુનિયામાં ભારતીય રૂપિયાની બોલબાલા વધવા લાગી છે. એમ કહીએ કે હવે ભારતીય ચલણ ડોલર અને પાઉન્ડને ટક્કર આપવાની તૈયારીમાં છે,
હાલના સમયે અમેરિકન ડોલર દુનિયાનું સૌથી શક્તિશાળી ચલણ છે. કુલ વૈશ્વિક વેપારમાં તેની ભાગીદારી 80 ટકાની નજીક છે. મતલબ કે, દુનિયા આખીમાં થતા બિઝનેસમાંના 80 ટકાથી વધારે વિનિમય ડોલરમાં જ થાય છે. ભારત સહિતના દુનિયાના ઘણા દેશ વિદેશી આયાત -નિકાસ માટે ડોલર પર જ નિર્ભર રહેતા હતા. જો એમણે કોઈ બીજા દેશ પાસેથી કશું ખરીદવું કે વેચવું હોય તો ડોલરમાં જ ચુકવણી કરવી પડે છે. તેથી તેને દુનિયાનું સૌથી શક્તિશાળી ચલણ માનવામાં આવે છે. હવે તેમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. ઘણા દેશોએ ભારતીય ચલણમાં વિનિમયની મંજૂરી આપી દીધી છે. તેનાથી ડોલર પરની નિર્ભરતા ઘટશે અને રૂપિયો આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત થશે.