રાજકોટ શહેરમાં સરકારી પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે ન્યુરોલોજી વિભાગમાં દર્દીઓને “પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના” અંતર્ગત સુપર સ્પેશિયાલીટી સારવાર આપવામાં આવે છે. આ ન્યુરોલોજી વિભાગમાં દર મંગળવાર તથા શુક્રવારનાં રોજ ઓ.પી.ડી. સારવાર માટે લગભગ ૧૩૦થી ૧૫૦ જેટલા દર્દીઓ આવે છે. તાજેતરમાં માત્ર ચાર દિવસનાં નવજાત શિશુને કરોડરજ્જુ અને મગજની વચ્ચે એક મોટી ૨૮x૨૪ની ગાંઠ હતી. બાળકના વજન કરતા પણ વધુ વજન ધરાવતી આ ગાંઠને લીધે શિશુને હલનચલન કરવામાં પણ તકલીફ પડી રહી હતી. આવી પરિસ્થિતિમાં ન્યુરોસર્જરી ટીમે બાળકને જટિલ ગાંઠની સફળ સર્જરી કરી નવજીવન બક્ષ્યું હતું. આ ઉપરાંત, શ્રી અશોકભાઈ નામનાં દર્દીને મગજની ગાંઠની સર્જરી કરવા માટે અનેક હોસ્પિટલે ધક્કા ખાવા છતાં તેનો યોગ્ય ઈલાજ થતો નહતો. અત્રે ન્યુરોલોજી વિભાગમાં તેમના મગજની સર્જરી કરાવતા દર્દીને રાહત થઈ હતી. તેઓ ન્યુરોસર્જનને ખાસ મળવા આવ્યા હતાં અને ન્યુરોસર્જન, તબીબી તજજ્ઞો અને નર્સિંગ સ્ટાફ સહિત તમામ સ્ટાફ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ન્યુરોસર્જનશ્રી ડો. અંકુર પાંચાણીનાં જણાવ્યા મુજબ અહીં કરોડરજ્જુની સર્જરી તથા દર્દીને બેભાન કર્યા વગર મગજનું ઓપરેશન પણ કરવામાં આવે છે. તબીબી ભાષામાં “એવેક કેનિયોટોમી” એટલે કે સર્જરી દરમિયાન દર્દી સજાગ અવસ્થામાં રહે છે તેમજ તેઓની સાથે વાતો કરી શકે છે. હાથ-પગ હલાવવાની ક્રિયા કરી શકે છે. જેથી, ભવિષ્યમાં દર્દીને કોઇપણ પ્રકારની તકલીફ ના રહે. ન્યુરોસર્જનશ્રી ડો. મિલન સેંજલીયાનાં જણાવ્યા અનુસાર પી.ડી.યુ. હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગમાં ડિપ્રેશનના દર્દીઓ વધુ આવે છે. તબીબો દર્દીઓને પૂરતો સમય આપીને સાંભળે છે તથા તેને અનુકૂળ વાતાવરણ ઊભું કરીને, સલાહ-સુચન આપીને દવા તેમજ યોગ્ય ઉપાય તથા સારવાર આપવામાં આવે છે. ન્યુરોસર્જનશ્રી ડો. ભાર્ગવ ત્રિવેદીનાં જણાવે છે કે હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતા દર્દીઓનાં મગજના ભાગમાં ટ્યુમરની સર્જરી જટીલ માનવામાં આવે છે. ત્યારે સૌ પ્રથમ દર્દીઓના પરિવારજનોને સાંભળી તથા સમજાવીને તેની મૂંઝવણનું નિરાકરણ કરવામાં આવે છે, ત્યારબાદ સર્જરી કરવામાં આવે છે.